Last Updated on by Sampurna Samachar
ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ નરેન્દ્ર મોદીના નામે
PM મોદી ૪૦૭૮ દિવસથી આ પદ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નરેન્દ્ર મોદી સતત સૌથી લાંબા સમય સુધી પોતાના પદ પર રહેનાર દેશના બીજા પ્રધાનમંત્રી બની ગયા છે. તેમણે પૂર્વ PM ઈન્દિરા ગાંધીને આ મામલે પાછળ છોડી દીધા છે. પંડિત જવાહર લાલ નેહરૂ સતત સૌથી લાંબા સમય સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. તેઓ ૧૬ વર્ષ અને ૨૮૬ દિવસ સતત આ પદ પર રહ્યાં હતા. ઈન્દિરા ગાંધી ૪૦૭૭ દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યાં હતા. જ્યારે PM મોદી ૪૦૭૮ દિવસથી આ પદ પર છે.
પ્રધાનમંત્રી મોદી ઓક્ટોબર ૨૦૦૧ થી મે ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદી ૨૦૧૪ મા PM બન્યા હતા. તેમણે ૨૫ જુલાઈ ૨૦૨૫ના પોતાના કાર્યકાળના ૪૦૭૮ દિવસ પૂરા કર્યાં છે. આ રીતે તેમણે ઈન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા છે.
બિન હિંદી રાજ્યમાંથી સૌથી વધુ સમય PM પદે રહેનાર નેતા
પંડિત નેહરૂ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ થી ૨૭ મે ૧૯૬૪ સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. તેઓ આશરે ૧૬ વર્ષ અને ૯ મહિના આ પદ પર રહ્યાં હતા. ઈન્દિરા ગાંધી ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪ માર્ચ ૧૯૭૭ સુધી પ્રધાનમંત્રી રહ્યાં હતા. તેમણે ૧૧ વર્ષ ૨ મહિના સતત આ પદ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં સામેલ થઈ ગયા હતા. તેઓ ૨૬ મે ૨૦૧૪થી હજુ સુધી PM પદ પર છે.
નરેન્દ્ર મોદી પ્રથમ એવા પ્રધાનમંત્રી છે જેમનો જન્મ આઝાદ ભારતમાં થયો છે અને સૌથી લાંબા સમય સુધી પોતાના પદ પર રહ્યાં છે. તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી પ્રધાનમંત્રી છે. PM મોદી પૂર્ણ બહુમત બાદ સતત પદ પર રહેનાર પ્રથમ નેતા છે. પંડિત નેહરૂ બાદ એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે જેણે કોઈ પાર્ટીના નેતાના રૂપમાં સતત ત્રણ સામાન્ય ચૂંટણી જીતી છે. મોદી કોઈ બિન હિંદી રાજ્યમાંથી સૌથી વધુ સમય PM પદે રહેનાર નેતા પણ છે.