Last Updated on by Sampurna Samachar
આ સ્થાયી શાંતિ તરફનું પ્રથમ પગલું
આ પ્રધાનમંત્રી નેતન્યાહૂના સશક્ત નેતૃત્વનું પ્રતીક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇઝરાયલ અને હમાસ અમેરિકાની મધ્યસ્થા બાદ શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર સહમત થયા છે. તેની જાહેરાત ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. આ ર્નિણયનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું છે. તેમણે એક્સ પર લખ્યુ કે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાંતિ યોજનાના પહેલા તબક્કા પર થયેલી સમજુતિનું સ્વાગત કરીએ છીએ. આ પ્રધાનમંત્રી નેતન્યાહૂના સશક્ત નેતૃત્વનું પ્રતીક છે. અમને આશા છે કે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવીય સહાયતામાં વધારાથી તેને રાહત મળશે અને સ્થાયી શાંતિનો માર્ગ મોકળો બનશે.

ઇઝરાયલ અને હમાસની સમજુતિ ગાઝામાં ચાલી રહેલ યુદ્ધ રોકવા અને કેદીઓની મુક્તિ કરવા પર કેન્દ્રીત છે. આ ઐતિહાસિક સમજુતિ પર મિસ્ત્રમાં હસ્તાક્ષર થયા. ટ્રમ્પે તેને સ્થાયી શાંતિની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું, જ્યારે ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહૂએ તેને કૂટનીતિક સફળતા અને નૈતિક જીત ગણાવી છે.
કતાર, ઇજિપ્ત અને તુર્કીનો આભાર માન્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, “મને ગર્વ છે કે ઇઝરાયલ અને હમાસ બંને અમારી શાંતિ યોજનાના પ્રથમ તબક્કા માટે સંમત થયા છે. આનો અર્થ એ છે કે બધા બંધકોને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે અને ઇઝરાયલી સેના નિયુક્ત સરહદ પર પાછી ખેંચી લેશે. આ સ્થાયી શાંતિ તરફનું પ્રથમ પગલું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ પક્ષો સાથે સમાન વર્તન કરવામાં આવશે. આ દિવસ આરબ અને મુસ્લિમ વિશ્વ, ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વભરના તમામ શાંતિપ્રિય દેશો માટે ઐતિહાસિક છે. ટ્રમ્પે આ વાટાઘાટોને શક્ય બનાવવામાં મહત્વપૂર્ણ મધ્યસ્થી ભૂમિકા ભજવવા બદલ કતાર, ઇજિપ્ત અને તુર્કીનો ખાસ આભાર માન્યો.