Last Updated on by Sampurna Samachar
લગભગ ચાર લાખ કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા
નવી યુનિટ રોજગાર અને સ્વરોજગારની હજારો તકો ઉભી કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના બે દિવસીય પ્રવાસ દરમિયાન નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નામરૂ ખાતે કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે, જે સપનાની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે હવે સાકાર થઈ રહ્યું છે.’

PM મોદીએ જનમેદનીને સંબોધન કરીને કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણમાં ખેડૂતોની ભૂમિકા સર્વોપરી છે. નામરૂપની આ નવી યુનિટ રોજગાર અને સ્વરોજગારની હજારો તકો ઉભી કરશે, જેનાથી સ્થાનિક યુવાનોને મોટો ફાયદો થશે. ભાજપની ડબલ એન્જિન સરકાર ઉદ્યોગ અને કનેક્ટિવિટીની જુગલબંધી દ્વારા આસામના સપના પૂરા કરી રહી છે.’
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો
વડાપ્રધાને કોંગ્રેસ શાસન પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અગાઉ ખેડૂતોને યુરિયા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું અને પોલીસના લાઠીચાર્જનો સામનો કરવો પડતો હતો. અમારી સરકારે આ પરિસ્થિતિ સુધારી છે અને હવે ખેડૂતોને બીજથી બજાર સુધી તમામ મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં PM કિસાન સન્માન નિધિ હેઠળ લગભગ ચાર લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.’
વડાપ્રધાન મોદીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે, ‘કોંગ્રેસ હજુ પણ દેશવિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપી રહી છે અને વોટબેંકના સ્વાર્થ માટે આસામની જમીન પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવવા માંગે છે. કોંગ્રેસ જ ગેરકાયદે ઘૂસણખોરોને બચાવી રહી છે અને તેથી જ વોટર લિસ્ટના શુદ્ધિકરણનો વિરોધ કરી રહી છે.’