Last Updated on by Sampurna Samachar
સાંસદોને સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ રહેવા સલાહ
વડાપ્રધાનના નિવાસ સ્થાને હતુ આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના NDA ના સાંસદો સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાનના નિવાસ સ્થાને NDA સાંસદો સાથે જમણવારનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સાંસદોને જનસંપર્કના માધ્યમથી પ્રજા સુધી પહોંચવા ટકોર પણ કરી હતી.

અહેવાલ અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે તેમણે વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે આધુનિક ટૅક્નોલૉજીની મદદ લેવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર સતત લોકોના હિતમાં કામ કરી રહી છે પણ સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચી નથી શકતી. તેથી જનસંપર્ક હજુ મજબૂત કરવાની જરૂર છે.
તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે
સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ વધુ સક્રિય રહેવાની સલાહ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કે ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસ વાયદાઓનો ઢગલો કરી નાંખે છે અને કામ કરવાનો દેખાડો કરે છે, પણ NDA સરકાર તો નિરંતર કામમાં વિશ્વાસ રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને કહ્યું, તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે.