Last Updated on by Sampurna Samachar
પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પુન:સ્થાપિત કરવા અપીલ
આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની પણ એન્ટ્રી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે ફોન પર વાત કરી છે. PM મોદીએ મસૂદ પેઝેશકિયન સાથે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી અને ચિંતા વ્યક્ત કરી છે. PM મોદીએ X પર એક પોસ્ટ દ્વારા ઇઝરાયલ અને ઈરાનને તણાવ ઓછો કરવા અને પરસ્પર વાતચીત કરવા અપીલ કરી છે.
PM મોદીએ તાત્કાલિક તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પુન:સ્થાપિત કરવા માટે રાજદ્વારી દ્વારા તમામ બાબતોનો ઉકેલ લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ભારત હંમેશા માનતું આવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી એ કોઈપણ કટોકટીનો ઉકેલ છે. PM મોદીની મસૂદ પેઝેશકિયન સાથેની વાતચીત એવા સમયે થઈ છે. જ્યારે અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યા પછી સમગ્ર વિશ્વ મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
જો ઈરાન જવાબ આપે તો દુર્ઘટના સર્જાશે
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ક્ષેત્રીય અખંડતા, શાંતિ અને સ્થિરતા માટે સંવાદ દ્વારા તણાવ ઘટાડવા અપીલ પણ કરી છે. નોંધનીય છે કે સર્વપ્રથમ ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા હતા જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાયું હતું.
હવે આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાએ ઈરાનના મુખ્ય ત્રણ પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા છે. અમેરિકાના હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવમાં અત્યંત વધારો થયો છે. અનેક દેશો તથા UN એ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ વધવાથી ભારતના પશ્ચિમ એશિયાઈ દેશો, જેમાં ઈરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમનનો સમાવેશ થાય છે. સાથેના વેપાર પર મોટી અસર થવાની શક્યતા છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો, ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કર્યો, જેનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાનો હતો.
અમેરિકાના હુમલા પછી હવે બધાની નજર ઈરાન પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ઈરાન અમેરિકા પરના હુમલાનો જવાબ નહીં આપે, તો શાંતિ સ્થાપિત થશે અને જો ઈરાન જવાબ આપે તો દુર્ઘટના સર્જાશે.
ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પરમાણુ સ્થળો પર હુમલા પછી અમેરિકાએ પોતે જ ઈરાન સામે ખતરનાક યુદ્ધ શરૂ કર્યું છે. વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકા તેના પરમાણુ સ્થળો પર હુમલાના પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે કહ્યું કે એવી કોઈ લક્ષ્મણ રેખા બાકી નથી, જેને અમેરિકાએ પાર ન કરી હોય.