Last Updated on by Sampurna Samachar
ભારત પોતાના ખેડૂતોના હિત સાથે કોઈ સમજુતી કરશે નહીં
રશિયા સાથે વેપાર કરવા બદલ અલગ દંડ તરીકે ટેરિફ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફને લઈને વળતો જવાબ આપ્યો છે. PM મોદીએ કહ્યુ કે ભારત પોતાના ખેડૂતોના હિત સાથે કોઈ સમજુતી કરશે નહીં.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે તેલ વેપાર માટે ભારત પર વધારાના ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ વધારાના ૨૫ ટકા ટેરિફ સાથે, અમેરિકાએ હવે ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે ભારતમાંથી આયાત થતા માલ પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી.
૫૦ ટકા ટેરિફ ચૂકવવો પડશે
આ સાથે, તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અલગ દંડ લાદશે. ત્યારબાદ તેમણે રશિયા સાથે વેપાર કરવા બદલ અલગ દંડ તરીકે ભારત પર અલગ ૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં આયોજીત એક સંમેલનમાં ભાગ લેતા કહ્યુ કે ખેડૂતોનું હિત ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. PM મોદીએ કહ્યુ કે ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમજુતી કરશે નહીં.
PM મોદીએ સંમેલનમાં કહ્યું- મારે ખેડૂતોના હિતોની રક્ષા માટે જે કિંમત ચુકવવી પડશે તે માટે હું તૈયાર છું. તમને જણાવી દઈએ કે અમેરિકા વેપાર મંત્રણાની શરૂઆતથી જ ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં અધિકારોની માંગ કરી રહ્યું છે. પરંતુ ભારતે પહેલાથી જ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે કૃષિ અને ડેરી ક્ષેત્ર માટે કોઈ સમાધાન કરશે નહીં.
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઊભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો.
PM સન્માન નીધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. PM ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો સામે રક્ષણ પૂરું પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ PM કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. PM કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહને વેગ આપ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ લાદ્યા પછી પણ સંતુષ્ટ નથી. તેમણે કહ્યું છે કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર ગૌણ પ્રતિબંધો પણ લાદશે.
ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના સંદર્ભમાં ચીનની ખૂબ નજીક છે અને હવે તેણે ૨૫ ટકા વધારાના ટેરિફ સાથે ૫૦ ટકા ટેરિફ ચૂકવવો પડશે. ગૌણ પ્રતિબંધો એ આર્થિક પ્રતિબંધો છે જે એવા દેશ (ભારત) પર લાદવામાં આવે છે જે એવા દેશ (રશિયા) સાથે વેપાર કરે છે જેના પર પ્રાથમિક પ્રતિબંધો પહેલાથી જ લાદવામાં આવ્યા છે.