Last Updated on by Sampurna Samachar
સંસદમાં યોગ્ય ચર્ચા વિના પસાર કરાયું બિલ
જયરામ રમેશે બિલને લઇ મોદી સરકાર પર કર્યા પ્રહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદમાંથી પસાર થયેલા સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઑફ ન્યૂક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા બિલથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આ બિલને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવતાં કહ્યુ કે આ બિલ દેશના હિતમાં નથી પરંતુ, કોઈ જૂના મિત્રને ખુશ કરવા માટે લાવવામાં આવ્યું છે. જૂના મિત્રનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે નામ લીધા વિના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ ઈશારો કર્યો હતો.

કોંગ્રેસે દાવો કર્યો કે, આ બિલને ઉતાવળમાં બુલડોઝર ચલાવવાની જેમ સંસદમાંથી પસાર કરી દેવાયું. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, SHANTI Bill ને સંસદમાં યોગ્ય ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું છે. જેની પાછળનું સાચું કારણ અમેરિકાના હિત સાધવાનું છે.
સરકારે વિપક્ષની માંગને નકારી દીધી
અહીંથી વિપક્ષે સવાલ શરૂ કર્યા કે, સપ્લાયરની જવાબદારી દૂર કરવાથી જો કોઈ પરમાણુ દુર્ઘટના થઈ, તો સામાન્ય નાગરિકને ન્યાય મળવો અઘરૂ બની જશે. વિપક્ષની માંગ હતી કે, આ બિલને સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવે, તેથી વિસ્તારથી તપાસ થઈ શકે.
પરંતુ, સરકારે આ માંગને નકારી દીધી છે. પરિણામ એ આવ્યું કે, લોકસભામાં બિલ પાસ થયું અને બાદમાં રાજ્યસભામાં પણ ચર્ચા વિના ફક્ત ધ્વનિ મતથી આ બિલ પસાર થઈ ગયું. જયરામ રમેશે SHANTI Bill દ્વારા મોદી સરકાર પર એવા સમયે પ્રહાર કર્યો, જ્યારે હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાણાંકીય વર્ષ ૨૦૨૬ ના અમેરિકન નેશનલ ડિફેન્સ ઑથરાઇઝેશન એક્ટ પર હસ્તાક્ષર કર્યા છે.
આ કાયદો આશરે ૩૧૦૦ પાનાનો છે અને તેના પાના નંબર ૧૯૧૨ પર ભારત-અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર લાયબિલિટી નિયમોને લઈને ખાસ ઉલ્લેખ છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પાનાનો સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું કે, આમાં સ્પષ્ટરૂપે ભારત અને અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર લાયાબિલિટી નિયમો પર જોઇન્ટ અસેસમેન્ટની વાત કહેવામાં આવી છે. આ અસલી કારણ છે કે, SHANTI Bill ને આટલું જલ્દી અને કોઈપણ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું છે.