Last Updated on by Sampurna Samachar
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદના શિયાળુ સત્રમાં ગૃહમાં ચર્ચા માટે ઘણા મહત્વપૂર્ણ બિલો મૂકવામાં આવ્યા . સંસદ પરિસરમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો દ્વારા અદાણી મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ” મોદી ક્યારેય અદાણી સામે તપાસ નહીં કરાવે, કારણ કે જો તેઓ આમ કરશે, તો તેઓ પોતાની જ તપાસ કરાવશે. મોદી અને અદાણી અલગ નથી, એક જ છે.”
રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન ઘણી વખત હંગામો થયો હતો. હકીકતમાં, વિરોધ પક્ષો અદાણી લાંચ કાંડ, સંભલ અને ખેડૂતોના આંદોલન જેવા મુદ્દાઓ પર રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી રહ્યા હતા, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેને ફગાવી દીધી હતી. આ પછી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ સાથે સંભલ જવા રવાના થયા હતા, પરંતુ તેમને ગાઝીપુર સરહદથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. આ અંગે મંગળવારે વિપક્ષી દળોએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું. આવી સ્થિતિમાં આજે પણ આ અંગે હોબાળો થાય તેવી શકયતા છે.