Last Updated on by Sampurna Samachar
હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યવસાયિક સંસ્થાનો માટે રાહતના સમાચાર
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારા સમાચાર આવ્યા છે. એલપીજી ગેસનો બાટલો સસ્તો થયાના સમાચાર સામે આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે આ વખતે પણ ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી ગેસના બાટલાના ભાવ ઘટ્યા છે. લેટેસ્ટ ભાવ બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૫૮૦ રૂપિયા થયો છે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ તેના ભાવમાં ઘટાડો થયો હતો.
જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. નવા ભાવ આજથી લાગૂ થઈ ગયા છે. વેબસાઈટ પર અપડેટ કરાયેલા નવા ભાવ મુજબ દિલ્હીમાં ૧૯ કિલો કોમર્શિયલ ગેસનો બાટલો ૧૬૩૧.૫૦ થી ઘટીને ૧૫૮૦ રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં ૧૭૩૪.૫૦ રૂપિયાનો બાટલો હવે ૧૬૮૪ રૂપિયામાં મળશે.
૮ એપ્રિલના રોજ ફેરફાર જોવા મળ્યો હતો
મુંબઈમાં પણ ૧૫૮૨.૫૦ રૂપિયાનો બાટલો હવે ૧૫૩૧.૫૦ રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં એક સિલેન્ડરનો ભાવ ૧૭૮૯ રૂપિયાથી ઘટીને ૧૭૩૮ રૂપિયા થયો છે. ૧૯ કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાથી સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ અગાઉ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ભાવમાં ૩૩.૫૦ રૂપિયા ઘટ્યા હતા. તે પહેલા ૧ જુલાઈના રોજ પણ ૫૮ રૂપિયા ઘટાડો જોવા મળ્યો હતો.
એક બાજુ જ્યાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ૧૪ કિલોવાળા ઘરેલુ રાંધણ ગેસના બાટલાના ભાવમાં કોઈ ફેરફાર નથી. છેલ્લા ૧૪ કિલોવાળા સિલિન્ડરના ભાવમાં ૮ એપ્રિલના રોજ ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ ભાવ બદલાયા નથી.
હાલ દિલ્હીમાં તે ૮૫૩ રૂપિયામાં, કોલકાતામાં ૮૭૯ રૂપિયા, મુંબઈમાં ૮૫૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૮૬૮.૫૦ રૂપિયામાં બાટલો મળે છે. નોંધનીય છે કે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. ત્યારબાદ નવા રેટ જાહેર થાય છે. આ ભાવ ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ, ઈન્ડિયન કરન્સી રૂપિયાની સ્થિતિ તથા અન્ય બજાર સ્થિતિઓ પર ર્નિભર કરે છે. અને પહેલી તારીખે નવા ભાવ જાહેર થાય છે. ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યવસાયિક સંસ્થાનો માટે રાહતના સમાચાર છે. જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે.