Last Updated on by Sampurna Samachar
એક ખેલાડી, ફ્રેન્ચાઇઝી અને ચાહક તરીકે વધુ જવાબદાર
ગિલ અને કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયા ૨૦ જૂનથી ઈંગ્લેન્ડમાં ૫ મેચની ટેસ્ટ સીરિઝ રમાવા જઇ રહી છે. આ સીરિઝ માટે રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના નવનિયુક્ત કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન બંનેએ ઘણા સવાલોના જવાબ પણ આપ્યા.
પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કર્યો કે આ સીરિઝ શરૂ થવાના થોડા દિવસ પહેલા જ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. તેના થોડા દિવસ પછી જ વિરાટ કોહલીએ પણ સંન્યાસનું એલાન કર્યું હતું. અશ્વિને પહેલા જ અલવિદા કહી ચૂક્યો છે. આ સવાલના જવાબમાં ગિલે કહ્યું કે, રોહિત-વિરાટનું સ્થાન ભરવું મુશ્કેલ છે. આ પ્રવાસમાં અમને તેમની ખોટ સાલશે. પરંતુ અમારી ટીમ તૈયાર અને સંતુલિત છે.
અમારી ટીમમાં બુમરાહ જેવા મહાન બોલરો
આ સવાલના જવાબમાં કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે, અમે આ પ્રવાસ માટે ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દરેક મેચની પરિસ્થિતિ પ્રમાણે પ્લેઇંગ ઈલેવનને ફાઈનલ કરવામાં આવશે. ફાસ્ટ અને સ્પિન બોલિંગને પણ તે મુજબ ગોઠવવામાં આવશે. તેણે કરુણ નાયરની પ્રશંસા કરી.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટપણે એ ન જણાવ્યું કે જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સીરિઝમાં કઈ ત્રણ ટેસ્ટ રમશે, પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફાસ્ટ બોલિંગ યુનિટ બુમરાહની ગેરહાજરીમાં પણ વર્કલોડ સંભાળવા સક્ષમ છે. ગંભીરે કહ્યું કે, અમે અત્યાર સુધી નક્કી કર્યું છે કે કઈ ત્રણ મેચ (તે) રમશે. જોકે, હજુ સુધી એ નક્કી નથી કે બુમરાહ માત્ર ત્રણ ટેસ્ટ જ રમશે.
કેપ્ટનશીપના સવાલ પર ગિલે કહ્યું કે, જેમ-જેમ ખેલાડી રમે છે, તેમ-તેમ તે શીખે છે. મારે ટીમ સાથે વાત કરવી પડશે અને તેમને સમજવું પડશે. આ અમારી તાકાત હશે. મને ખેલાડીઓ સાથે સંપર્કમાં રહેવું અને તેમની સમસ્યાઓ સમજવી ગમે છે. અમારી ટીમમાં બુમરાહ જેવા મહાન બોલરો છે. અમારા પેસરો ખૂબ સારા છે. અમારી બોલિંગ ખૂબ જ આક્રમક રહેવાની છે.
જ્યારે કોચ ગંભીરને બેંગલુરુ દુર્ઘટના અંગે પૂછવામાં આવ્યું કે તમારા મતે કોણ જવાબદાર છે, ત્યારે ગંભીરે કહ્યું કે, હું કોણ જવાબદાર છે તે નક્કી કરનાર હું કોઈ નથી. પરંતુ જ્યારે હું ખેલાડી હતો ત્યારે પણ હું આવા રોડ શોમાં નહોતો માનતો અને હવે કોચ તરીકે પણ હું આના પક્ષમાં નથી. લોકોનો જીવ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે ભીડને નિયંત્રિત નથી કરી શકતા, તો આવા રોડ શોની કોઈ જરૂર નથી.
ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, હું હંમેશા માનતો આવ્યો છું કે રોડ શો ન થવા જોઈએ. મારું હૃદય એ પરિવારો માટે દુ:ખી છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા. જ્યારે અમે ૨૦૦૭માં જીત્યા હતા, ત્યારે પણ મેં એવું જ માન્યું હતું. આવા કાર્યક્રમો બંધ દરવાજા પાછળ અથવા સ્ટેડિયમમાં યોજવા જોઈએ. ત્યાં જે બન્યું તે ખૂબ જ દુ:ખદ છે. આપણે એક ખેલાડી, ફ્રેન્ચાઇઝી અને ચાહક તરીકે વધુ જવાબદાર રહેવું જોઈએ.