Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઠરાવ રજુ કર્યો
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની પુષ્ટી કરતો બંધારણીય ઠરાવ પસાર કર્યો હતો. હિંસાગ્રસ્ત મણિપુરમાં ૧૩ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બે મહિનામાં રાષ્ટ્રપતિ શાસનની પુષ્ટી માટે એક બંધારણીય ઠરાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં જણાવ્યું હતું કે મણિપુર (MANIPUR) ના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ રાજ્યપાલે ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી અને બહુમતી સભ્યોએ કહ્યું હતું કે તેઓ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. શાહે કહ્યું કે આ પછી કેબિનેટે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધી હતી.
મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવી તે સરકારની ચિંતા
તેમણે કહ્યું હતું કે , “સુપ્રીમ કોર્ટના ર્નિણય અનુસાર હું બે મહિનાની અંદર આ સંદર્ભમાં ગૃહની મંજૂરી માટે એક બંધારણીય ઠરાવ લાવ્યો છું.” શાહે વધુમાં જણાવ્યું હતું કે સરકારની પહેલી ચિંતા મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની છે અને હાલમાં છેલ્લા ચાર મહિનામાં મણિપુરમાં એક પણ મૃત્યુ થયું નથી અને ફક્ત બે લોકો ઘાયલ થયા છે.
તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે મણિપુરમાં જલ્દી શાંતિ સ્થાપિત થાય, પુનર્વસન થાય. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં વિપક્ષી પક્ષોને મણિપુરના મુદ્દા પર રાજકારણ ન કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે મણિપુર હિંસાના ૨૧ મહિના પછી રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ઇમ્ફાલના રાજભવનમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.