Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ એરફોર્સના કાર્યક્રમમાં ગાર્ડ ઑફ ઑનર અપાયું
ઍરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અંબાલા ઍરફોર્સ સ્ટેશનમાંથી ફ્રાન્સ નિર્મિત ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરી. તેમણે ઍરફોર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. વાયુસેનાના જવાનોએ તેમને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે વાયુસેનાના પ્રમુખ એપી સિંહ પોતે પાયલટ તરીકે રાફેલ ઉડાવી રાષ્ટ્રપતિને રાફેલની સહેર કરાવી રહ્યા હતા. તે અંબાલામાં ઉડાન ભરી રહ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન અને પ્રોટોકલ હેઠળ સંબંધિત વિભાગોના અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશ્નર અજય સિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દિલ્હીથી હવાઈ માર્ગે અંબાલા કેન્ટોનમેન્ટ સ્થિત ઍરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. સુરક્ષાના કારણોસર ઍરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે.
ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા
ઍરફોર્સ સ્ટેશનની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. ફક્ત અધિકૃત કર્મચારીઓને જ અંદર જવાની મંજૂરી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અગાઉ પણ ફાઇટર જેટ્સમાં ઉડાન ભરી નિરિક્ષણ કર્યું હતું. ૮ એપ્રિલ, ૨૦૨૩ના રોજ મૂર્મુ આસામમાં તેજપુર ઍરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ-૩૦ એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરનારા ત્રીજા અને મહિલામાં બીજા રાષ્ટ્રપતિ હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે પણ સુખોઈ-૩૦ એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.
ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતા. જેમાં પાંચ રાફેલ વિમાનનો પહેલો જથ્થો ૨૭ જુલાઈ, ૨૦૨૦ના રોજ ભારતને પ્રાપ્ત થયો હતો. આ વિમાનો પહેલા અંબાલા એર બેઝ પર પહોંચ્યા હતા. તેઓ ફ્રાન્સના મેરિગ્નેક એર બેઝથી ઉડાન ભરી યુએઈના અલ ધ્રાફા એર બેઝ પર રોકાયા બાદ ભારતમાં પહોંચ્યા હતા.
 
				 
								