Last Updated on by Sampurna Samachar
અલગ-અલગ દેશોની અનોખી અને સુંદર પતંગોના દ્રશ્ય
બાળકો માટે ખાસ વર્કશોપ રાખવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં દર વર્ષે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્તરાયણની વર્ષો જૂની પરંપરા સાથે જોડાયેલો છે. આ મેળા દરમિયાન આકાશ રંગબેરંગી અને વિવિધ આકારની પતંગોથી ભરાઈ જાય છે. આ મહોત્સવની ખાસ વાત એ છે કે તે દેશ-વિદેશના પ્રવાસીઓ અને પતંગબાજો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં અલગ-અલગ દેશોની અનોખી અને સુંદર પતંગો જોવા મળે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે. તેનું મુખ્ય સ્થળ અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ છે.

આ ઉપરાંત, આ મહોત્સવ ગુજરાતના અન્ય શહેરો જેવા કે સુરત, રાજકોટ, વડોદરા અને દ્વારકામાં પણ ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં જાપાન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોના પતંગબાજાે તેમની અનોખી અને ક્રાફ્ટેડ પતંગોનું પ્રદર્શન કરશે. સાથે જ ભારતના પરંપરાગત પતંગ ઉત્પાદકો પણ તેમની કળાનું પ્રદર્શન કરશે, જેનાથી આકાશનો નજારો જોવા જેવો હશે. આ સુંદર પતંગોથી આકાશ ભરી દેશે અને એક અદભુત દૃશ્ય જોવા મળશે.
૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે
પતંગબાજી સિવાય અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ મજા માણી શકાશે. લોક સંગીત અને નૃત્યના પર્ફોર્મન્સની સાથે હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન અને લોકલ ફૂડ સ્ટોલ્સ પણ હશે, જ્યાં તમે ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણી શકશો. બાળકો માટે ખાસ વર્કશોપ રાખવામાં આવી છે, જેમાં તેમને પતંગ બનાવવાની અને પતંગ ઉડાડવાની તકનીકો શીખવવામાં આવશે.
આ મહોત્સવ ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે. મુખ્ય કાર્યક્રમો અમદાવાદમાં યોજાશે. ખાસ વાત એ છે કે અહીં એન્ટ્રી બિલકુલ ફ્રી છે અને કાર્યક્રમો સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે તેમ માહિતી મળી છે.