Last Updated on by Sampurna Samachar
ટુંક સમયમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા માહિતી આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. હવે ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.

જગદીપ ધનખડના રાજીનામાં બાદ ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. પંચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘ભારતના ચૂંટણી પંચે ૨૦૨૫ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરુ કરી દીધી છે. તૈયારી પૂરી થયા પછી ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
લોકસભા અને રાજ્યસભાના સાંસદો ભાગ લે છે
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગૃહ મંત્રાલયે ૨૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ એક સૂચના દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાં અંગે માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચને કલમ ૩૨૪ હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરાવવાનો અધિકાર છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ ૧૯૫૨ અને તેના હેઠળ બનાવેલા નિયમો (રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો ૧૯૭૪) દ્વારા કરવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વધુ માહિતી આપતા પંચે કહ્યું કે, ‘રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ કરતી ઇલેક્ટોરલ કોલેજની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, રિટર્નિંગ ઑફિસર/સહાયક રિટર્નિંગ ઑફિસરની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેમજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ સંબંધિત માહિતી અને રૅકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.‘
બંધારણના અનુચ્છેદ ૬૬ મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોથી બનેલા મતદાર મંડળ દ્વારા અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ (પ્રપોશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ) થી કરવામાં આવે છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય તો આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળતા હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો ભાગ લે છે.
આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના ધારાસભ્યો મતદાન કરે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંધારણના અનુચ્છેદ ૬૬ પ્રમાણે મતદાર મંડળમાં કુલ ૭૮૮ સાંસદો હોય છે. તેમાં રાજ્યસભાના ૨૩૩ ચૂંટાયેલા સદસ્યો અને ૧૨ નામાંકિત સદસ્યોની સાથે-સાથે લોકસભાના ૫૪૩ સદસ્ય સામેલ થાય છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ (પ્રપોશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ) દ્વારા કરવામાં આવે છે. તેમાં ખાસ રીતે વોટિંગ થાય છે જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહે છે. તેમાં મતદારોને એક જ મત આપવાનો હોય છે પરંતુ તેને પોતાની પસંદના આધાર પર પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. તેઓ બેલેટ પેપર પર ઉપસ્થિત ઉમેદવારોમાંથી પોતાની પહેલી પસંદને ૧, બીજી પસંદને ૨ અને એ જ રીતે આગળની પ્રાથમિકતા આપે છે.
નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી ૬૦ દિવસની અંદર કરવાની હોય છે. મતદાન ગુપ્ત રીતે થાય છે. મતપત્ર પર મત ચિહ્નિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવેલી ખાસ પેનનો જ ઉપયોગ કરવાનો હોય છે. અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવાથી મત અમાન્ય થઈ શકે છે. ભારતીય ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીને લોકસભા અને રાજ્યસભાના મહાસચિવમાંથી કોઈ એકને વારાફરતી, ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરે છે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીને નિર્ધારિત સમયમાં રજૂ કરવાના હોય છે.