Last Updated on by Sampurna Samachar
સરકાર દ્વારા આ મામલે કાર્યવાહી કરવા ઉઠાવી માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભ દરમિયાન ફ્લાઇટ ભાડાને લઈને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પ્રયાગરાજમાં પહોંચાડતા મુસાફરો પાસે ફ્લાઇટના મોંઘા ભાડાને લઇ સવાલ ઉઠાવ્યા છે.
જેમાં તેમણે જણાવ્યુ હતું કે એરલાઇન કંપનીઓએ મહાકુંભને ફાયદાનો સોદો બનાવી લીધો છે. સેવાઓ આપવાને બદલે કંપનીઓ લૂંટ ચલાવવા લાગી છે. સરકારે આના પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઈએ.રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સ જે ૫ હજાર રૂપિયા ભાડું લઈ રહી હતી, જે હવે ૬૦-૭૦ હજાર ભાડું વસૂલ કરી રહી છે. આ સરેઆમ ખુલ્લી લૂંટ છે. ભાડામાં આટલો વધારો કરવાને કારણે લોકો પ્રયાગરાજ કુંભમાં જઈ શકતા નથી.
રાઘવ ચઢ્ઢાએ કેન્દ્ર સરકારને અપીલ કરતાં કહ્યું હતું કે, આ બાબતમાં તપાસ કરે, તેની સમીક્ષા કરે અને તાત્કાલિક તેના પર એક્શન લે. ચઢ્ઢાએ સરકાર પાસે એરલાઇન કંપનીઓના ભાડા અંગે ગાઈડ લાઈન બનાવવાની પણ માંગ કરી છે.
તેમણે કહ્યું છે કે ‘સરકારે જ ભાડું નક્કી કરવું જાેઈએ, જેથી કરીને લોકોને કોઈ અસુવિધા ન થાય અને તેમના પર ભાડાનો બોજ પણ ન પડે. ચઢ્ઢાએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, આ કેવો નિયમ છે કે ૫૦૦૦ રૂપિયાની ટિકિટ ૫૦,૦૦૦ રૂપિયા થઈ ગયું? લોકોની આસ્થા સાથે છેડછાડ થઈ રહી છે.
પ્રયાગરાજ મહાકુંભ માટે કાર્યરત વિમાનોના ભાડાને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલમાં જ દિલ્હીથી પ્રયાગરાજનું વિમાન ભાડું લગભગ ૪૦ હજાર રૂપિયા સુધી પહોંચી ગયું હતું. સામાન્ય દિવસોમાં આ ભાડું લગભગ ૩ હજાર રૂપિયા હતું. આ ઉપરાંત હૈદરાબાદ અને ભુવનેશ્વર જેવા શહેરોમાંથી પ્રયાગરાજ આવવા માંગતા શ્રદ્ધાળુઓએ ૫૫-૬૦ હજાર રૂપિયાની ટિકિટ ખરીદવી પડતી હતી. તો ફ્લાઇટ ટિકિટ અંગે ઉભા થતા પ્રશ્નોને લઈને કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. એવું કહેવાય છે કે, કેન્દ્રએ વિમાન કંપનીઓને વધુ વિમાન ચલાવવા અને ભાડા સંતુલિત કરવા નિર્દેશ આપ્યો છે. જોકે, આ ક્યારે થશે, તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.