Last Updated on by Sampurna Samachar
દીકરીને છૂટાછેડા મળ્યા ત્યારે રડ્યા નહીં, ઢોલ વગાડીને ઘરે લાવ્યા પિતા
મેરઠમાં એક નિવૃત્ત જજે દીકરીના છૂટાછેડાને દુ:ખની ઘટના નહીં, પરંતુ જશ્નની ક્ષણ બનાવી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સામાન્ય રીતે આપણા સમાજમાં દીકરીના છૂટાછેડાને એક દુ:ખદ ઘટના માનવામાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક નિવૃત્ત જજે આ રૂઢિચુસ્ત માનસિકતાને તોડીને નવી મિસાલ કાયમ કરી છે. લગ્નના ૭ વર્ષ બાદ જ્યારે દીકરીને કોર્ટમાંથી છૂટાછેડા મળ્યા, ત્યારે પિતા દુ:ખી થઈને નહીં, પણ ઢોલના તાલે નાચતા-નાચતા દીકરીને ઘરે લાવ્યા હતા.

મેરઠના રહેવાસી અને રિટાયર્ડ જજ ડો. જ્ઞાનેન્દ્ર કુમાર શર્માની દીકરી પ્રણિતા શર્માના લગ્ન વર્ષ ૨૦૧૮માં શાહજહાંપુરના મેજર ગૌરવ અગ્નિહોત્રી સાથે થયા હતા. લગ્ન બાદ પ્રણિતાને સાસરીમાં માનસિક અને શારીરિક ત્રાસનો સામનો કરવો પડતો હતો. એક સંતાન હોવા છતાં પરિસ્થિતિ ન સુધરતા અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. રવિવારે મેરઠની ફેમિલી કોર્ટે આ છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી.
કોર્ટમાંથી છૂટાછેડા મળતા જ ઢોલના તાલે નાચતા-નાચતા દીકરીને ઘરે લાવીને તેમણે સમાજને એક નવો સંદેશ આપ્યો
જેવા કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા, કે તરત જ પિતા અને પરિવારજનોએ કોર્ટની બહાર જ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું હતું. દીકરીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. પરિવારના તમામ સભ્યોએ કાળા રંગની ટી-શર્ટ પહેરી હતી, જેના પર લખેલું હતું. એટલું જ નહીં, કોર્ટથી લઈને ઘર સુધી પરિવારના સભ્યો ઢોલના તાલે નાચતા-નાચતા આવ્યા હતા. ઘરે પહોંચતા જ પિતાએ દીકરીને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવી તેનું સ્વાગત કર્યું હતું.
આ મામલે નિવૃત્ત જજ ડો. જ્ઞાનેન્દ્ર કુમાર શર્માએ કહ્યું કે,”જો મારી દીકરી લગ્ન પછી ખુશ નહોતી, તો તેને તે નરકમાંથી બહાર કાઢવી એ મારી ફરજ હતી. મારે કોઈ દહેજ કે સામાન નથી જોઈતો, મારે બસ મારી દીકરી પાછી જોઈતી હતી.”
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો પિતાના આ સાહસિક પગલાના વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો દરેક પિતા આ રીતે પોતાની દીકરીની પડખે ઊભા રહે, તો દીકરીઓએ ક્યારેય સાસરીમાં અત્યાચાર સહન કરીને આત્મહત્યા જેવા પગલાં નહીં ભરવા પડે.
પ્રણિતા હાલમાં ‘પ્રણવ વશિષ્ઠ જ્યુડિશિયલ એકેડમી‘માં ફાઇનાન્સ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે અને તેણે સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું છે. પિતાના આ સપોર્ટથી હવે તે પોતાના જીવનની એક નવી અને સકારાત્મક શરૂઆત કરવા જઈ રહી છે.