Last Updated on by Sampurna Samachar
શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી
આ સેક્ટરને વર્ષ ૨૦૨૯ સુધી લાભ મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય મંત્રી મંડળે પહેલી જુલાઈએ ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ ને મંજૂરી આપ્યા બાદ યોજનાનું પોર્ટલ લોન્ચ કરી દેવાયું છે. આ યોજના પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓ માટે અનેક ફાયદા લઈને આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.

યોજના લોન્ચ કરતી વખતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ‘પ્રાઈવેટ સેક્ટરમાં પહેલી ઓગસ્ટથી નોકરી મેળવનારા લોકોએ આ યોજનાનો લાભ લેવા માટે ઉમંગ એપ પર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને UAN જનરેટ કરવું પડશે. જ્યારે એમ્પ્લૉયર pmvbry.epfindia.gov.in અથવા pmvbry.labour.gov.in પર વન-ટાઈમ રજિસ્ટ્રેશન કરી શકશે. કેન્દ્ર સરકારે યોજના માટે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાથી ત્રણ કરોડ યુવાઓ માટે રોજગારની તકો ઉભી થશે અને તેઓને સોશિયલ સિક્યોરિટી મળશે.
૯૯, ૪૪૬ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી
ઉલ્લેખનીય છે કે, પહેલી જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ને મંજૂરી આપવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયે ૨૫ જુલાઈએ કહ્યું હતું કે, ‘આ યોજનાનો લાભ પહેલી ઓગસ્ટ-૨૦૨૫થી ૩૧ જુલાઈ-૨૦૨૭ વચ્ચે નોકરી રખાયેલ યુવાઓને લાગુ પડશે. યોજના માટે ૯૯, ૪૪૬ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે.
‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ બે પાર્ટ નિર્ધારીત કરાયા છે. પ્રથમવાર રોજગારી મેળવનાર યુવાઓને પાર્ટ-એમાં જ્યારે નોકરીદાતાઓનો પાર્ટ-બીમાં સમાવેશ કરાયો છે.
પાર્ટ-એ હેઠળ EPFO માં પ્રથમવાર રજિસ્ટ્રેશન કરાવનાર કર્મચારીઓને એક મહિનાનો ઈપીએફ પગાર આપવામાં આવશે, જે વધુમાં વધુ ૧૫,૦૦૦ રૂપિયા હોઈ શકે છે. આ પગારને વર્ષમાં બે ભાગમાં આપવામાં આવશે.
નોકરીના છ મહિના પૂરા કરવા પર ૭૫૦૦ રૂપિયા અને એક વર્ષ પૂર્ણ થયા બાદ બાકીના ૭૫૦૦ રૂપિયા મળશે. એક લાખ રૂપિયા સુધીનો પગાર મેળવનાર કર્મચારીઓ જ આ યોજના માટે પાત્ર રહેશે. આ ઉપરાંત પ્રોત્સાહન રકમનો એક ભાગ બચત સાધન અથવા જમા ખાતામાં નિશ્ચિત સમયગાળા માટે રાખવામાં આવશે અને કર્મચારી તેને પછીથી ઉપાડી શકશે.
પાર્ટ-બીમાં સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. યોજના હેઠળ રોજગાર આપનારા નોકરીદાતાઓને સતત છ મહિના સુધી પ્રત્યેક રોજગાર દીઠ દર મહિને ૩૦૦૦ રૂપિયા અપાશે. જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેની પ્રોત્સાહક રકમને ત્રીજા અને ચોથા વર્ષ સુધી વધારવામાં આવશે. એટલે કે આ સેક્ટરને વર્ષ ૨૦૨૯ સુધી લાભ મળશે.
EPFO સાથે નોંધાયેલા એકમોએ સતત છ મહિના માટે ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ (૫૦થી ઓછા કર્મચારીઓવાળા નોકરીદાતાઓ માટે) અથવા પાંચ વધારાના કર્મચારીઓ (૫૦ કે તેથી વધુ કર્મચારીઓવાળા નોકરીદાતાઓ માટે) ને નોકરી પર રાખવા જરૂરી રહેશે.