Last Updated on by Sampurna Samachar
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બની ઘટના
મેદાનમાં માહોલ ગરમાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડેઝર્ટ વાઈપર્સે શાનદાર પ્રદર્શન કરીને ઈન્ટરનેશનલ લીગ T20 ની ચોથી સીઝનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં વાઈપર્સે એમઆઈ એમિરેટ્સને ૪૬ રનથી હરાવ્યું હતું. વાઈપર્સે પહેલી વાર ખિતાબ જીત્યો છે. બીજી તરફ બીજી સીઝનની વિજેતા રહેલી એમઆઈ એમિરેટ્સ આ વખતે ટાઈટલ જીતથી દૂર રહી ગઈ.

ILT20 ફાઈનલમાં તે સમયે માહોલ ગરમાયો જ્યારે વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ. આ ઘટના MI એમિરેટ્સની ઈનિંગની ૧૧મી ઓવરના છેલ્લા બોલ પર બની હતી.
બેટ્સમેનને બિલકુલ પસંદ ન આવ્યું
ડેઝર્ટ વાઈપર્સ માટે રમી રહેલા નસીમ શાહે સારી લેન્થનો બોલ ફેંક્યો, જેના પર એમઆઈ એમિરેટ્સનો કેપ્ટન કિરોન પોલાર્ડ કંઈ ખાસ ન કરી શક્યો. બોલ પોલાર્ડના બેટની અંદરની ધાર પર વાગ્યો અને તેના પેડ પર સાથે ટકરાઈને બોલર તરફ પાછો ગયો. ત્યારબાદ નસીમ શાહે હસીને પોલાર્ડની મજાક ઉડાવી, જે અનુભવી બેટ્સમેનને બિલકુલ પસંદ ન આવ્યું અને તે ગુસ્સે ભરાયો.
ત્યારબાદ કિરોન પોલાર્ડે સીધો નસીમ શાહ તરફ ગયો અને બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. નસીમ શાહ પણ પીછેહઠ કરવા તૈયાર નહોતો અને મેદાન પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અમ્પાયરોએ બંનેને અલગ કરવા માટે દરમિયાનગીરી કરવી પડી. જોકે, થોડી ઓવર પછી નસીમ શાહે પોલાર્ડને આઉટ કરી દીધો. પોલાર્ડ ૨૮ બોલમાં ૨૮ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
મેચ બાદ નસીમ શાહે કહ્યું કે, ફાઈનલનું દબાણ અલગ હોય છે. બેટ્સમેન અને બોલર બંનેમાં આખી ટીમનું યોગદાન રહ્યું. અમારી પાસે સારા વિકલ્પ હતા અને મેનેજમેન્ટે તેનો યોગ્ય ઉપયોગ કર્યો. તમામે પોતાનું ૧૦૦% આપ્યું અને પરિણામ બધાની સામે છે.
ફાઈનલમાં સેમ કરનની કેપ્ટનશીપ વાળી ડેઝર્ટ વાઈપર્સે શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ બેટિંગ કરતા ડેઝર્ટ વાઈપર્સે ૨૦ ઓવરમાં ૪ વિકેટ પર ૧૮૨ રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન સેમ કરનના શાનદાર ૭૪ રન સામેલ છે. ટાર્ગેટનો પીછો કરતા એમઆઈ એમિરેટ્સ ૧૮.૩ ઓવરમાં ૧૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ડેવિડ પાયને અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.