વડાપ્રધાને ભાષણમાં દિલ્હીના લોકો અને તેમના દ્વારા ચૂંટાયેલી સરકારને ગાળો આપવાનું કામ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ૧૬૭૫ પરિવારોને ‘સ્વાભિમાન ફ્લેટ્સ’ની ચાવી સોંપી હતી. આ ફ્લેટ્સ ઝૂંપડપટ્ટીની જગ્યાએ જ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટી પર ખુબ પ્રહાર કર્યા.
હવે વડાપ્રધાન મોદી અને ભાજપ પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે , વડાપ્રધાન મોદી દિલ્હી આવ્યા હતા. તેમણે લગભગ ૪૩ મિનિટનું ભાષણ આપ્યું, જેમાં તેમણે ૩૯ મિનિટ માત્ર દિલ્હીના લોકો અને તેમના દ્વારા ચૂંટાયેલી સરકારને ગાળો આપવાનું કામ કર્યું. તેમણે કહ્યં કે, દિલ્હીના લોકોએ બે સરકાર ચૂંટણી હતી. દિલ્હી હૉફ સ્ટેટ છે. કેન્દ્રમાં ભાજપની અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર. તેને ૧૦ વર્ષ થઈ ગયા છે.
આ ૧૦ વર્ષમાં આપ સરકારે કેટલા કામ કર્યા, જો અમે ગણાવવા લાગીએ તો કલાકો સુધી ગણી શકુ છું. પરંતુ જો બીજી સરકાર છે એટલે ભાજપની કેન્દ્ર સરકાર, તેમણે ૧૦ વર્ષમાં એક પણ એવું કામ ન કર્યું જે વડાપ્રધાન પોતાના ૪૩ મિનિટના ભાષણમાં ગણાવી શકે.
કેજરીવાલે કહ્યું કે, જે કામ કરે છે તે ગાળો નથી આપતા. જો ભાજપે ૧૦ વર્ષમાં કામ કર્યા હોત તો દિલ્હીના લોકોને ગાળો ન આપી હોત. જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે તો તેને ગાળો આપવાની જરૂર નથી હોતી, પરંતુ જ્યારે કામ નથી કરતા તો લોકોને ગાળો આપે છે. આજે વડાપ્રધાને દિલ્હીના લોકોને ગાળો આપી છે. વડાપ્રધાને ૨૦૨૦માં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. ત્યારે વડાપ્રધાને દિલ્હીના લોકોને અનેક વાયદા કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ૨૦૨૨ સુધીમાં દિલ્હીમાં તમામ લોકોના પાકા મકાન આપી દેવાશે. પાંચ વર્ષમાં માત્ર ૪૭૦૦ મકાન બનાવ્યા છે. દિલ્હીમાં ૪ લાખ ઝૂંપડીઓ છે, ૧૫ લાખ લોકોને મકાન જોઈએ, પરંતુ ૪૭૦૦ મકાન તેમને પાંચ વર્ષમાં આવ્યા છે. મને લાગે છે કે આ સંકલ્પ પત્ર ૫ વર્ષનો નહીં પરંતુ ૨૦૦ વર્ષનો છે.