વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં સામેલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદ ગૃહમાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં સામેલ થયા હતા. આ દરમિયાન ભાજપ અને NDA ના સાંસદોએ મોદી-મોદીના નારાથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. ૧૨ કરોડ લોકોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘરો બનાવવા પર છે. જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરાવે છે, તેમને ગરીબોની વાત કંટાળાજનક લાગશે. સમસ્યાને ઓળખીને છૂટી શકતાં નથી, તેને અવગણી શકાતી નથી. સમસ્યાનો ઉકેલ લાવવો પણ જરુરી છે. અમારો પ્રયાસ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને અમે સમર્પણ સાથે પ્રયાસ કરીએ છીએ.
વડાપ્રધાને આગળ વાત કરતાં કહ્યું કે, ‘આપણા દેશમાં એક વખત વડાપ્રધાન હતા, તેમને મિસ્ટર ક્લીન કહેવાની ફેશન બની ગઈ હતી. તેમણે એક સમસ્યા ઓળખી કાઢી હતી અને કહ્યું હતું કે, જ્યારે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે, ત્યારે ગામડાઓમાં ફક્ત ૧૫ પૈસા જ પહોંચે છે. એ સમયે તો સંસદમાં માત્ર એક જ પક્ષનું રાજ હતું. તેમણે આ વાત જાહેરમાં કહી હતી. આ એક ગજબની સફાઈ છે. દેશે અમને તક આપી, અમે સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો. અમારું મોડેલ બચત તેમજ વિકાસનું છે. જનતાના પૈસા, જનતા માટે.
અમે જન ધન, આધારે કામ કર્યું અને અમારા કાર્યકાળ દરમિયાન ૪૦ કરોડ રૂપિયા સીધા જનતાના ખાતામાં જમા કરવામાં આવ્યા. દેશનું દુર્ભાગ્ય જુઓ, સરકાર કેવી રીતે અને કોના માટે ચલાવવામાં આવી હતી.’વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આપણે ૨૦૨૫માં છીએ અને ૨૧મી સદીનો એક ચતુર્થાંશ ભાગ વીતી ચૂક્યો છે. સમય નક્કી કરશે કે તેમાં શું થયું, કેવી રીતે થયું. જો આપણે રાષ્ટ્રપતિના સંબોધનને ઊંડાણથી સમજીએ તો એ સ્પષ્ટ નજરે આવે છે કે નવો વિશ્વાસ જગાવનારું અને જનસામાન્યથી પ્રેરિત કરનારું છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમારી સરકારે નારા ન આપ્યા, ગરીબોની સાચી સેવા કરી. પાંચ-પાંચ દાયકા સુધી ખોટા નારા આપવામાં આવ્યા. તેને સમજવા માટે જુસ્સો જોઈએ. મોદીને ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાક લોકો પાસે તે છે જ નહીં.’