Last Updated on by Sampurna Samachar
નેતાની પત્ની અને ૧૯ પેલેસ્ટિનિયનના પણ મોત થયા
દુશ્મનોની મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇઝરાયલના હવાઈ હુમલામાં હમાસના વધુ એક ટોચના નેતાનું મોત થયું હોવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર, ગાઝાના ખાન યુનિસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ રાજકીય નેતા સલાહ અલ-બરદાવિલનું મોત થયું છે. આ હુમલો રાત્રિના સમયે થયો હતો. જેમાં અલ-બરદાવિલની સાથે તેમની પત્ની અને ૧૯ પેલેસ્ટિનિયનના પણ મોત થયા હતા. આ ઘટના બાદ હવે ઇઝરાયલ (ISRAYEL) અને હમાસ સંઘર્ષ વધે તેવી પૂર્ણ શક્યતાઓ છે.
બીજી તરફ યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર એક મિસાઇલ છોડી હતી. જોકે, ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, આ મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી અને તેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.
હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા
મીડિયાના અહેવાલ અનુસાર, દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં હમાસના એક વરિષ્ઠ નેતા સહિત ઓછામાં ઓછા ૧૯ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર વધુ એક મિસાઇલ છોડી, જેના કારણે હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે દુશ્મનોની મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. જેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગાઝાની બે હોસ્પિટલોએ જણાવ્યું હતું કે, રાત્રિના હુમલામાં માર્યા ગયેલા બાળકો અને મહિલાઓ સહિત ૧૭ લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હમાસે જણાવ્યું હતું કે ખાન યુનિસ નજીક થયેલા હુમલામાં તેના રાજકીય બ્યુરો અને પેલેસ્ટિનિયન સંસદના સભ્ય સલાહ બરદાવિલ અને તેમની પત્ની માર્યા ગયા હતા. બારદાવિલ હમાસના રાજકીય પાંખના જાણીતા સભ્ય હતા. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલા મૃત્યુઆંકમાં હમાસ નેતા અને તેમની પત્નીના નામનો સમાવેશ થતો નથી.