Last Updated on by Sampurna Samachar
આપ ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા જાપ્તામાંથી ફરાર
હરિયાણાના કરનાલના ડાબરી ગામથી ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા છે. હરિયાણાના કરનાલથી ધરપકડ બાદ, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી ત્યારે પઠાણમાજરા અને તેમના સાથીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો અને તેમની કારથી કચચડવાનો પ્રયાસ કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો.
પઠાણમાજરા અને તેના સાથીઓ એક સ્કોર્પિયો અને એક ફોર્ચ્યુનરમાં ફરાર થઈ ગયા હતા. જેમાંથી પોલીસે ફોર્ચ્યુનર કબજે કરી છે અને સ્કોર્પિયોમાં ફરાર ધારાસભ્યનો પીછો કરી રહી છે. પંજાબના પટિયાલા જિલ્લાના સનૌર મતવિસ્તારના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની પોલીસે હરિયાણાના કરનાલના ડાબરી ગામથી ધરપકડ કરી હતી.
ધારાસભ્યની ધરપકડ બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ
મળતી માહિતી મુજબ, આ ધરપકડ કલમ ૩૭૬ હેઠળના જૂના કેસમાં કરવામાં આવી છે. નોંધનીય છે કે, પંજાબ સરકારે જ ધારાસભ્ય પઠાણમાજરાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પઠાણમાજરા છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોતાની જ સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા અને તેમણે તાજેતરના પૂર માટે સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારી કૃષ્ણ કુમારને સીધા જવાબદાર ઠેરવ્યા હતા. ધારાસભ્યની ધરપકડ બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.