Last Updated on by Sampurna Samachar
લગ્નનુ દબાણ કરતા પોલીસકર્મીએ અસલી રૂપ બતાવ્યું
પરિણીતાના જૂના ફોટા અને વીડિયો વાયરલ કરવાની આપતો ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી ખાખીને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ ઓખામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ જ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, આરોપી પોલીસકર્મીએ પીડિત પરિણીતા સાથે અગાઉ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી પોલીસકર્મીએ પરિણીતા સાથે મુલાકાતો વધારી હતી. જોકે, જ્યારે પરિણીતાએ તેની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે પોલીસકર્મીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના આરોપી સામે કડક પગલાંના આદેશ
આરોપી પોલીસકર્મીએ પરિણીતાના જૂના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ ધમકીના જોરે તેણે પરિણીતાને વારંવાર હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પોલીસકર્મીના સતત ત્રાસથી કંટાળીને અંતે પીડિતાએ હિંમત ભેગી કરી ઓખા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, જે પોલીસ મથકે આરોપી ફરજ બજાવતો હતો, ત્યાં જ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોપી વિરુદ્ધ કડક તપાસના આદેશ આપ્યા છે. હાલમાં પોલીસે આરોપી પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.