Last Updated on by Sampurna Samachar
આબુથી દારૂ ગાડીમાં લઈને આવતા બોટાદ LCB એ ઝડપ્યા
૧,૦૦,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપાતાં ચકચાર મચી છે. કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબુથી દારુ અને બિયરનો જથ્થો ભર્યો હતો. બોટાદ પહોંચતાં જ LCB એ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને શહેરના ખસ રોડ મિલેટ્રી રોડ પરથી ઝડપી પાડ્યા હતા.
બોટાદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચએ એક મોટા ઓપરેશનમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવીને હોમગાર્ડ યુનિટની સરકારી ગાડી ટાટા સુમોને અટકાવી હતી અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ૨૫ બોટલ અને બિયરના ૭૬ ટીન જપ્ત કર્યો છે.
આ જથ્થો આબુથી લાવ્યા હોવાનુ આરોપીઓએ કબુલ્યું
આ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત હોમગાર્ડ જવાનો મળી કુલ ૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ રૂપિયા ૧,૦૦,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે બોટાદ LCB ના ઈન્ચાર્જ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર એસ.બી.સોલંકી અને તેમના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે બોટાદ જિલ્લા હોમગાર્ડના સરકારી વાહન ટાટા સુમોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આબુથી બોટાદ લાવવામાં આવી રહ્યો છે.
આ વાહન અંબાજી ખાતે બંદોબસ્તમાં ગયેલા હોમગાર્ડ જવાનોના બીલની ચુકવણી કરીને પરત ફરી રહ્યું હતું. વાહનની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો, સરકારી વાહન હોવાથી ટાટા સુમોને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું નથી.
આરોપીઓએ કબૂલ્યું કે તેઓ આ જથ્થો આબુથી લાવ્યા હતા, ત્યારે હાલમાં ત્રણેય આરોપી વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઈ), ૯૮(૨), ૧૧૬-બી અને ૮૧ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.