પશ્ચિમ બંગાળમાં ઘરમાં બ્લાસ્ટ થતા ૩ લોકોના મોત
ત્રણેય યુવકો ઘરમાં ગેરકાયદે બોમ્બ બનાવતા હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સાગરપાડાના ખયરતલા વિસ્તાર રહેતા મામુન મોલ્લાના ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. મૃતકોની ઓળખ મમુન મોલ્લા, સકીરુલ સરકાર અને મુસ્તાકીન શેખ તરીકે થઈ છે.
અહેવાલો અનુસાર, આ ત્રણેય યુવકો ગેરકાયદે બોમ્બ બનાવી રહ્યા હતા. તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેઓ ઘરની બહાર આવ્યા અને મામુનના ઘરને આગ લાગતા જોઈને પોલીસને બોલાવી. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે બોમ્બ શા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા? પોલીસને આ કેસમાં આતંકવાદી જોડાણની પણ શંકા છે.