Last Updated on by Sampurna Samachar
જુગાર રમતા કુલ આઠ વ્યક્તિઓને ઝડપી લીધા
પાંચ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં મોડી સાંજે પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર સ્થળે ગંજીપાના પત્તા વડે જુગાર રમાતો હોવાની માહિતી મળતા શેઠવડાળા પોલીસ સ્ટેશનની ટીમે તરત જ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જુગાર રમતા કુલ આઠ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં પાંચ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે.

પોલીસ દરોડા દરમિયાન નરેન્દ્ર માધાભાઈ ચાંડપા, જેન્તીભાઈ વશરામભાઈ ધવલ અને પ્રફુલ દેવાભાઈ ભદ્રુ નામના ત્રણ પુરુષો સાથે રંજનબેન વીરાભાઈ ભદ્રુ, નિમુબેન સોમાભાઈ વારગીયા, પમાભાઈ ભદ્રુ, શારદાબેન શંકરદાસ શ્રીમાળી તથા કંકુબેન શામળદાસ ગાજણ સહિત કુલ આઠ જુગારીઓને સ્થળ પરથી અટકાયત કરવામાં આવી હતી. તમામ આરોપીઓ જાહેરમાં બેસીને ગંજીપાના પત્તા દ્વારા જુગાર રમતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
જુગાર માટે વપરાતો સામાન કબજે કર્યો
પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧૧,૪૧૦ની રોકડ રકમ, ગંજીપાના પત્તા તેમજ જુગાર માટે વપરાતો અન્ય સામાન કબજે કર્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો પહોંચ્યો હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. હાલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.