Last Updated on by Sampurna Samachar
ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને જેલ હવાલે કર્યા
બાપુનગર વિસ્તારમાં અગાઉ હિંસક મારામારી કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સતત એક્શન મોડમાં છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ એવા બે સગા ભાઈઓ જેવી જોડીને દબોચી લીધી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બાપુનગરના મારામારીના કેસમાં સંડોવાયેલા અને નાસતા-ફરતા આરોપીઓ શહેરમાં જ ક્યાંક છુપાયેલા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે મુઝફ્ફર પઠાણ અને સમીર પઠાણ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સોએ બાપુનગર વિસ્તારમાં અગાઉ હિંસક મારામારી કરી હતી અને ત્યારથી તેઓ પોલીસ પકડથી દૂર હતા.
બાપુનગર પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી
પકડાયેલા મુઝફ્ફર અને સમીર પઠાણ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેઓ અગાઉ પણ અનેક શારીરિક ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તેમની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેમને જેલ હવાલે કર્યા છે.
ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ હવે બંને આરોપીઓનો કબજો બાપુનગર પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. બાપુનગર પોલીસ હવે આ આરોપીઓની પૂછપરછ કરશે કે તેઓ આટલો સમય ક્યાં છુપાયા હતા અને તેમને કોણે આશરો આપ્યો હતો.