Last Updated on by Sampurna Samachar
બહારથી સ્ત્રીઓને બોલાવીને કૂટણખાનું ચલાવતી હતી મહિલા
જામનગરના સિટી ‘બી‘ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારની બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે બે પુરૂષોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર જામનગર શહેર વિભાગના DYSP જે.એન. ઝાલાની હાજરીમાં પાડવામાં આવેલા આ દરોડાની વિગત મુજબ, પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર-૯ ના છેડે યાદવ પાનની બાજુની શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ફ્લેટ નંબર-૧માં ભાડાનું મકાન રાખીને રહેતી ૫૦ વર્ષીય સોની નામની મહિલા આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી રહી હતી. તે પોતાના ભાડાના ફ્લેટમાં પુરુષ ગ્રાહકો માટે બહારથી સ્ત્રીઓને બોલાવીને કૂટણખાનું ચલાવતી હતી.
રૂ. ૩૫,૦૨૦ની માલમત્તા કબ્જે કરાઇ
ચોક્કસ બાતમીના આધારે બપોરે ૪:૩૦ વાગ્યાના અરસામાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મહિલા સંચાલિકા સોનીબેન ઉપરાંત બે પુરુષ ગ્રાહકો, જેમાં જામનગરના વિકાસગ્રહ રોડ પર રહેતા ૫૪ વર્ષીય નિતેશ શાંતિલાલ વસા અને ધરાર નગર વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ અલગ-અલગ રૂમમાં બે સ્ત્રી સાથે મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને સ્ત્રીઓને અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિના નેટવર્ક હેઠળ પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે લાવવામાં આવી હતી. પ્રત્યેક ગ્રાહક પાસેથી રૂ. ૧,૦૦૦થી વધુની રકમ ઉઘરાવવામાં આવતી હતી, જેમાંથી અમુક રકમ સંચાલિકા મહિલા પોતાની પાસે રાખતી હતી, જ્યારે બાકીની રકમ બહારથી આવેલી સ્ત્રીઓને આપવામાં આવતી હતી.
પોલીસે દરોડા દરમિયાન ઝડપાયેલા બંને પુરુષ ગ્રાહકો અને સંચાલિકા મહિલા સોનીબેન એમ ત્રણેય સામે જામનગરના સિટી ‘બી‘ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. સરકાર તરફે સિટી ‘બી‘ ડિવિઝનના મહિલા એ.એસ.આઈ. પ્રિન્સાબેન કેતનભાઈ ગુઢકા ફરિયાદી બન્યા છે. ત્રણેય સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, ૧૯૫૬ની કલમ ૩(૧), ૪(૧) અને ૫(૧-એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવના સ્થળેથી રોકડ રકમ, કોન્ડમ સહિતનું સાહિત્ય અને મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ. ૩૫,૦૨૦ની માલમત્તા કબજે કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી સમયે આસપાસના વિસ્તારના લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું.