Last Updated on by Sampurna Samachar
હાઇકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપીને જણાવવા માટેના નિર્દેશ આપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોલીસ વિભાગમાં ભરતી પામવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવતાં હોય છે. શારીરિક કસરત સહિત તમામ મામલે લાયક ઠરવા માટેના પ્રયત્નો છતાંય ક્યારેક કેટલાક એવા કિસ્સા સામે આવે છે, જે ભરતીમાં ઊભા થતાં આશ્ચર્યજનક વિવાદોની ચાડી ખાય છે. એવો જ એક કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે.
જેમાં ઉમેદવારની ઊંચાઇને લઇને વિવાદ હોવાનું સામે આવ્યું હતું. અરજદારની દલીલ હતી કે સોલા સિવિલમાં તેની ઊંચાઈ ૧૬૪.૯ બતાવવામાં આવી હતી, જ્યારે પોલીસ ભરતીમાં ૧૬૪ બતાવીને તેને ગેરલાયક ઠેરવ્યો હતો. આ સમગ્ર મામલે હાઇકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપીને જણાવવા માટેના નિર્દેશ આપ્યા છે.
હાઇકોર્ટમાં મહીસાગરના એક ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં એડવોકેટ ગૌરાંગ ચૌહાણ મારફતે અરજી દાખલ કરાઈ હતી. અરજદારે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ૧૧ હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેનો ફિઝિકલ ટેસ્ટ માટેનો નંબર ૧૦ મી જાન્યુઆરીએ કપડવંજ ખાતે આવ્યો હતો. તે ભરતીની પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યો હતો અને દોડવાની પરીક્ષામાં તે પાસ થયો હતો, જોકે તેની ઊંચાઈ ૧૬૪ ઝ્રસ્ નીકળતા તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. પુરુષો માટે ઊંચાઈની લાયકાત ૧૬૫ નક્કી કરવામાં આવી છે. અરજદાર પોતે કેટેગરીમાંથી છે. જેની ઉંચાઈ પણ નિયમો મુજબ ૧૬૫ હોવી જોઈએ.
અગાઉના વર્ષોમાં પણ લોકરક્ષક ભરતીની એક પરીક્ષામાં અરજદારે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેમાં હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલમાં તેની ઊંચાઈની માપણી કરવા નિર્દેશ આપતા, તેની ઊંચાઈ ૧૬૪.૯ નીકળી હતી અને હાઈકોર્ટે અરજદારની અરજી તે વખતે મંજૂર કરી હતી. જો કે તે લેખિત પરીક્ષામાં નાપાસ થયો હતો. આ અરજીમાં હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી ૧૦મી ફેબ્રુઆરીએ રાખી છે. તેમજ અરજદારને તે દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઈ માપવા ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. અરજદારે અરજીના નિકાલ સુધી આ પોલીસ ભરતીમાં એક જગ્યા ખાલી રાખવા પણ માંગ કરી છે. ભરતી બોર્ડની અપીલ કમિટીએ તેની અપીલ નકારી નાખતા તેને હાઈકોર્ટ આવવું પડ્યું હતું.