Last Updated on by Sampurna Samachar
જુમ્માની નમાઝ બાદ ભારે હોબાળો થયો
વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુપીના બરેલીમાં પોસ્ટર વિવાદ સર્જાયો હતો. જુમ્માની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો આઇ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લઈ રસ્તા પર ઉમટી પડ્યા હતા. તેમજ સૂત્રોચ્ચાર કરતાં ઈસ્લામિયા ગ્રાઉન્ડ વ ખલીલ સ્કૂલ ચોક તરફ આગળ વધ્યા હતા. આ વિસ્તારમાં પહોંચતાં જ પોલીસે ભીડને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભીડ બેકાબૂ બની હતી.

આ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ વણસી હતી. પોલીસે આકરું વલણ હાથ ધરતાં ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો. જેથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. નમાજ પૂરી થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. તેઓ સૂત્રોચ્ચાર કરતાં ખલીલ તિરાહા તરફ આગળ વધ્યા હતાં.
CCTV અને ડ્રોન કેમેરા લગાવાયાં
પોલીસે આ લોકોને ઈસ્લામિયા તરફ જતાં અટકાવ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દળે બેરિકેડ લગાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ભીડ બેકાબૂ બની હતી અને પોલીસ પર જ પથ્થરમારો શરુ કર્યો હતો. ઉપદ્રવીઓએ બે મોટરસાયકલ અને દુકાનમાં તોડફોડ કરી હતી. સ્થિતિને કાબૂમાં લેવા અને ઉપદ્રવને શાંત કરવા માટે પોલીસ લાઠીચાર્જ કરવા મજબૂર બની હતી.
લાઠીચાર્જ બાદ ટોળું વિખેરાઈ ગયું હતું. ઘટનાસ્થળે આશરે ૨૦૦ મીટરના અંતરમાં ચંપલો-જૂતા અને પથ્થરો જોવા મળી રહ્યા છે. જે વિવાદની ગંભીરતા દર્શાવે છે. પરિસ્થિતિ વણસી હોવાની સૂચના મળતાં જ DIG અજય સાહની, એસપી સિટી સહિત પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. પોલીસે વિસ્તારમાં ફ્લેગમાર્ચની જાહેરાત કરી છે. જેથી પુન: શાંતિ સ્થાપિત કરી શકાય. હાલ વિસ્તારમાં મોટાપાયે પોલીસ દળ તૈનાત છે.
ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના વડા મૌલાના તૌકીર રઝા ખાને જાહેરાત કરી હતી કે ૨૬ સપ્ટેમ્બરના રોજ, નમાજ પછી, એક ટોળું ઈસ્લામિયા ગ્રાઉન્ડ પર એકઠી થશે અને કલેક્ટર કચેરી તરફ પગપાળા કૂચ કરશે.
મૌલાનાની જાહેરાત બાદ, નમાજ પછી મુસ્લિમ સમુદાયના સભ્યો શહેરભરમાં એકઠા થયા હતા. શહેરમાં મોટાપાયે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની આશંકાથી પોલીસ વહીવટીતંત્રે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાંચ વધારાના પોલીસ અધિક્ષક અને ૧૩ CO ની આગેવાની હેઠળ ૪,૭૦૦ પોલીસ અને PAC કર્મચારીઓને નિયુક્ત કર્યા હતા. CCTV અને ડ્રોન કેમેરા પણ લગાવ્યા હતા.