સમગ્ર ગોવા પોલીસ આરોપીને શોધવા જોતરાઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોવામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખતરનાક આરોપી પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ આરોપી સામે જમીન પડાવવા સહિત અનેક ગુનાઓ ગોવામાં નોંધાયેલા છે. આ આરોપીએ ભાગવા માટે જે રીત અપનાવી, તેણે ચારેકોર ચર્ચા ચાલી છે. આ આરોપી પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કોન્સ્ટેબલ સાથે તેણે મિત્રતા કરી લીધી હતી. જે બાદ મોડી રાતે પોલીસ સ્ટેશનમાંથી તે કોન્સ્ટેબલની બાઈકથી જ ફરાર થઈ ગયો હતો. હવે આખા રાજ્યની પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીનું નામ સિદ્દીકી ખાન છે, જેને સુલેમાનના નામે ઓળખવામાં આવે છે. ૫૫ વર્ષનો આ શખ્સ કર્ણાટકના હુમલીનો રહેવાસી છે. છેલ્લા ઘણા વર્ષથી સુલેમાન ગોવાના તિવિમમાં રહે છે. અહીં તેની સામે જમીન પડાવી લેવાના ઘણા કેસ નોંધાયેલા છે. પોલીસ કસ્ટડીમાં તેની પર દેખરેખ રાખવા માટે તૈનાત કરવામાં આવેલા પોલીસ કોન્સ્ટેબલ અમિત નાયક સાથે મિત્રતા કરી લીધી હતી. બાદમાં તેણે કોન્સ્ટેબલ અમિત નાયકે સુલેમાનની સેલનું તાળું ખોલી દીધું હતું. જે બાદ પોલીસ કોન્સ્ટેબલની બાઈક પર સુલેમાન અને કોન્સ્ટેબલ બંને ફરાર થઈ ગયા.
ગોવા પોલીસના પ્રવક્તા અને ક્રાઈમ બ્રાન્ચના SP રાહુલ ગુપ્તાએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, અમિત નાયક ગાર્ડ ડ્યુટી પર હતો. તેણે સુલેમાનને આઝાદ કરી દીધો અને તેની બાઈક પર જ બંને ભાગી ગયા. SP એ જણાવ્યું કે બંનેને ઝડપી પાડવા આખા રાજ્યની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. ગોવા પોલીસે આ બંનેને શોધવા માટે પાડોશી રાજ્યની પોલીસની પણ મદદ માંગી છે. આ બંનેને જલ્દી ઝડપી પાડવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, સુલેમાનને આ વર્ષે ૧૨ નવેમ્બરે હુબલીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. છેલ્લા ૪ વર્ષ વર્ષથી અલગ-અલગ કેસોમાં તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. સુલેમાનની ૫ વર્ષ પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. SP એ જણાવ્યું કે, પોલીસ કોન્સ્ટેબલ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે સિનિયર અધિકારીઓને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.