Last Updated on by Sampurna Samachar
હેલ્મેટના વિરોધ બાદ સરકારનો મહત્વનો ર્નિણય
મહાનગરોમાં લોકોએ નિયમનો ઉગ્ર વિરોધ કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમ સામેના વ્યાપક વિરોધ બાદ સરકારે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં. તેના બદલે દંડ કરવાની જગ્યાએ પોલીસ આવા વાહનચાલકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે.

હેલ્મેટ ન પહેરવા બદલ વાહનચાલકોને દંડ ફટકારવાના નિયમ સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં, લોકોએ આ નિયમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિક ભાજપના ધારાસભ્યો દ્વારા પણ ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ
આ રજૂઆતમાં લોકોની મુશ્કેલીઓ અને વિરોધની ભાવનાને ધ્યાનમાં લેવા અપીલ કરવામાં આવી હતી.આ વિરોધ અને રજૂઆતોના પગલે સરકારે આ મામલે પુનર્વિચાર કર્યો હતો. સરકારે એવું માન્યું છે કે દંડ કરવાથી લોકોમાં કાયદા પ્રત્યે વિરોધની ભાવના પેદા થાય છે, જ્યારે જાગૃતિ ફેલાવીને તેમને સ્વૈચ્છિક રીતે કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
સરકાર દ્વારા એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે હેલ્મેટ પહેરવાની સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રહેશે. જોકે, તેની રીત બદલી દેવામાં આવી છે. હવે પોલીસ દંડ ફટકારવાને બદલે પ્રેમપૂર્વક લોકોને સમજાવવાનો પ્રયાસ કરશે. તેમને ગુલાબ આપીને, હેલ્મેટના મહત્વ વિશે માહિતી આપવામાં આવશે અને માર્ગ અકસ્માતોમાં હેલ્મેટ કેવી રીતે જીવન બચાવી શકે છે તે વિશે સમજાવવામાં આવશે.
આ ર્નિણયને કારણે વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. આશા રાખવામાં આવે છે કે સરકારનો આ નવો અભિગમ લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સકારાત્મક વલણ પેદા કરશે અને સ્વૈચ્છિક રીતે હેલ્મેટ પહેરવા માટે પ્રેરિત કરશે.