Last Updated on by Sampurna Samachar
૭૪ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે કડી પોલીસ દ્વારા ઇરાણા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. માહિતી મુજબ કડી-છત્રાલ માર્ગ પર આવેલા ઇરાણા ગામ નજીક એક ખરાબામાં ઉભેલી ટ્રકમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, કડી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇરાણા ગામ નજીક ખરાબાની જમીનમાં એક શંકાસ્પદ ટ્રક ઉભી છે અને તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો
પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૮૪૨૪ બોટલો મળી આવી હતી. કડી પોલીસ દ્વારા દારૂનો આ માતબર જથ્થો અને ગુનામાં વપરાયેલી ટ્રક મળી કુલ ૭૪,૪૬,૬૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કડી પોલીસની આ કાર્યવાહીના કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં કડી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે.