Last Updated on by Sampurna Samachar
કાર્યકર્તાઓએ પ્રશાંત કિશોરનું જોરદાર સ્વાગત કર્યું
અંચલાધિકારીની અરજીના આધારે મામલો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી રહેલા પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વૈશાલી જિલ્લાના રાઘોપુર પોલીસ સ્ટેશનમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.
આરોપ છે કે પ્રશાંત કિશોર જ્યારે રાઘોપુર પહોંચ્યા, ત્યારે તેઓ સેંકડો વાહનોના કાફલા સાથે હતા, જે આચાર સંહિતાનો ભંગ ગણાય છે. અંચલાધિકારીની અરજીના આધારે આ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
તેજસ્વી યાદવ આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે
પ્રશાંત કિશોરે આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવના ગઢ ગણાતા રાઘોપુર વિધાનસભા વિસ્તારથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. આ વિસ્તાર પટનાથી લગભગ ૫૦ કિલોમીટર દૂર ગંગાની બીજી પાર આવેલો છે અને તેજસ્વી યાદવનો પારંપરિક મતવિસ્તાર માનવામાં આવે છે. રાઘોપુરમાં કાર્યકર્તાઓએ ઢોલ-નગારા અને ફૂલ-હારથી પ્રશાંત કિશોરનું જોરદાર સ્વાગત કર્યું હતું.
પ્રશાંત કિશોરે રાઘોપુરના લોકોને સંબોધતા તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “તમારા ધારાસભ્ય (તેજસ્વી યાદવ) બે વખત નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શું તેમણે ક્યારેય તમારી સમસ્યાઓ સાંભળી છે?” જેના જવાબમાં ઘણા ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ તેજસ્વી યાદવને મળી પણ શકતા નથી.
રાઘોપુર રવાના થતા પહેલા પટનામાં પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે તેઓ તેજસ્વી યાદવને તેમના જ ક્ષેત્રમાં અમેઠી જેવી હાર આપશે. તેમણે કહ્યું કે, ” એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવ આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. જો તેમને ડર લાગતો હોય તો બે જગ્યાએથી લડી લે. પરંતુ રાઘોપુરમાં તેમની હાલત ૨૦૧૯માં રાહુલ ગાંધી જેવી થશે, જ્યારે તેઓ બે બેઠકો પરથી લડ્યા હતા અને અમેઠી હારી ગયા હતા.”
જ્યારે પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતે રાઘોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ સામે ચૂંટણી લડશે, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું, “જનસુરાજ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રવિવારે યોજાશે. રાઘોપુરથી મળેલા પ્રતિસાદના આધારે સૌથી યોગ્ય ઉમેદવાર નક્કી કરવામાં આવશે. તે હું હોઈશ કે અન્ય કોઈ, તે કહેવું હાલ શક્ય નથી.”