Last Updated on by Sampurna Samachar
આરોપીઓએ સાધુના નામે ફોન કરીને દાન માટે પૈસા માંગ્યા
મુખ્ય આરોપી સમીર બલોચ આફ્રિકાના કોંગોમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકી આપીને ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગંભીર કેસમાં પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હાલ આફ્રિકાના કોંગોમાં છુપાયેલો છે.

પોલીસે અમદાવાદથી રોનક ઠાકોરને અને વેરાવળથી જ્હોન બલોચને ઝડપી પાડ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ સમીર બલોચ છે, જે હાલ કોંગોમાં રહે છે. ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા અને આ યોજના બનાવી હતી.
બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
આરોપીઓએ ધારાસભ્યને સાધુના નામે ફોન કરીને આશ્રમ માટે દાનના બહાને પૈસા માંગ્યા હતા અને ન આપવાની ધમકી આપી હતી. આ રીતે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે, ‘આ કેસમાં અમે બે આરોપીઓ – રોનક ઠાકોર અને જ્હોન બલોચની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સમીર બલોચ કોંગોમાં છે. અમે ઇન્ટરપોલ અને કેન્દ્રીય એજન્સીઓની મદદથી તેને ભારત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
 
				 
								