Last Updated on by Sampurna Samachar
૫૨૪ સિલિન્ડર ભરેલો ટ્રક ચોરી બાદ ઝડપાયા
પોલીસે એન્કાઉન્ટર બાદ સાત આરોપીઓની ધરપકડ કરી ચોરી કરેલા સિલિન્ડર જપ્ત કરી લીધા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇરાન અને ઇઝરાયેલ જંગની વચ્ચે જ્યાં એક તરફ સિલિન્ડરને લઈને મારામારી થઈ રહી છે, તો વળી બીજી તરફ ઝાંસીમાં રસોઈ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક ચોરી થઈ ગઈ હતી. આ મામલે સ્થાનિક લોકો સાથે તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો. બુધવારે સવારે પોલીસે એન્કાઉન્ટર બાદ સાત આરોપીઓની ધરપકડ કરી ચોરી કરેલા સિલિન્ડર જપ્ત કરી લીધા છે.

સીનિયર પોલીસ અધિકારી બીબી જીટીએસ મૂર્તિએ બુધવારે જણાવ્યું હતું કે સિપરી બજાર સ્થિત ભારત પેટ્રોલિયમ ડેપોમાંથી એક ટ્રક ચાલક રાજકુમાર ભારત ગેસથી ભરેલા ૫૨૪ સિલિન્ડર ભરેલો પોતાનો ટ્રક ડેપોમાંથી બહાર ઊભો રાખી હોળી મનાવવા માટે પોતાના ઘરે ગયા હતા. બીજા દિવસે પાછા આવ્યા તો ડ્રાઈવરને પોતાનો ટ્રક મળ્યો નહીં. જે બાદ ટ્રક માલિક નીરજ અગ્રવાલે ટ્રક ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી.
અથડામણ બાદ ધરપકડ
મૂર્તિએ જણાવ્યું કે, બીજા દિવસે ચોરી થયેલો ટ્રક બડાગામ વિસ્તારના એક ઢાબા પાસે ઊભેલો જોયો, પણ તેની અંદર એક પણ સિલિન્ડર નહોતો. આ ઉપરાંત ચોરોએ ટ્રકમાં લગાવેલા જીપીએસ ઉપકરણ પણ તોડીને ફેંકી દીધું હતું. આ ક્રમમાં પોલીસે કેટલીક ટીમ બનાવી ગાયબ થયેલા ગેસ સિલિન્ડરની શોધ કરી રહ્યા હતા.
બુધવાર સવારે લગભગ ત્રણ વાગ્યે એક સૂચનાના આધાર પર ગ્વાલિયર માર્ગ સ્થિત એક ગેસ ગોદામની નજીક અથડામણ દરમિયાન પોલીસે પ્રેમનગરના જાવેદ, સુમિત અને ઋતિક સાથે સમથરના આમિરને અથડામણ બાદ ધરપકડ કરી લીધો અને તેની નિશાનદેહી પર સમથરના જ શુભંકર, અભિષેક અને સુરેન્દ્રને પણ ગેસ સિલિન્ડર ચોરીના આરોપમાં ધરપકડ કરી લીધા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગેસ પ્લાન્ટમાં ઘણા સમયથી ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી રહેલા જાવેદ અને ઋતિકે મળીને સિલિન્ડર ચોરી કરી પૈસા કમાવાનો પ્લાન બનાવ્યો હતો. બંનેએ તેના માટે સમથર સ્થિત શિવ ગેસ એજન્સીને પોતાની યોજનામાં સામેલ કરી અને ગેસ એજન્સીએ ૧૩ લાખ રૂપિયામાં ડીલ કરી હતી.
બુધવારે સવારે પોલીસ દ્વારા શિવ ગેસ એજન્સી પર દરોડા પાડી ત્યાંથી ૩૮૯ ભરેલા અને ૧૩૫ ખાલી સહિત ચોરી થયેલા ૫૨૪ રસોઈ ગેસ સિલિન્ડર જપ્ત કરી લીધા. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ૧૧ લાખ ૧૦ હજાર રૂપિયા પણ રોકડા જપ્ત કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, ગેસ સિલિન્ડરને કથિત રીતે વેચવાથી મળેલા ૮૩ હજાર અને ૮૨૦ રૂપિયા પણ જપ્ત કર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપી તથા ટ્રક માલિક વચ્ચે ૬૦-૭૦ હજારની લેવડદેવડ સંબંધિત વિવાદ પણ સામે આવ્યો છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે આ મામલે તપાસ થઈ રહી છે. તેમણે જણાવ્યું કે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.