Last Updated on by Sampurna Samachar
ખ્યાતિ સહિત ૭ હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફ્રી મેડિકલ કેમ્પ યોજી PMJAY એ યોજના હેઠળ દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણાં કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. આ કાંડ બાદ સરકાર એકશનમાં આવી છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ૭ હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ૩, સુરત-વડોદરા-રાજકોટ ની ૧-૧ તથા ગીર સોમનાથની ૧ હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડો પ્રશાંત વઝીરાણી અને અન્ય ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ હોસ્પિટલને કરવામાં આવી સસ્પેન્ડ
શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંસ્થા, ગીર સોમનાથ
નારીત્વ ટર્નિંગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા.લી, અમદાવાદ
શિવ હોસ્પિટલ, અમદાવાદ
નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજકોટ
ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ
સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત
સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરા
દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૨૦૨૨થી ૨૦૨૪ એમ ૩ વર્ષમાં ૮૪૭ દર્દીઓએ આયુષ્યાન યોજના હેઠળ સારવાર લીધેલી છે. જેમાં ૧૦થી વધુ દર્દીઓ પાસેથી રૂપિયા ૧.૩૫ લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ ૪૬.૨૩ લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા ૯ હજાર ૯૯૩ કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા ૬૭૮ કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા ૬૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં કુલ ૨.૬૧ કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. ૧.૩૮ કરોડ પુરુષ અને ૧.૨૨ કરોડ મહિલાઓ પાસે એયુષ્યમાન કાર્ડ છે. અમદાવાદમાં સૌથી વધુ ૨૪.૦૧ લાખ, સુરતમાં ૧૯.૫૬ લાખ, રાજકોટમાં ૧૫ લાખ, બનાસકાંઠામાં ૧૨.૨૬ લાખ, વડોદરામાં ૧૦.૨૩ લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યભરમાંથી ૯૨૪ પ્રાઈવેટ અને ૧૭૫૨ પબ્લિક એમ કુલ ૨૬૭૬ હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા ૨૪૯ સાથે મોખરે, અમદાવાદ ૨૧૩ સાથે બીજા, સુરત ૧૬૩ સાથે ત્રીજા, રાજકોટ ૧૪૨ સાથે ચોથા, મહેસાણા ૧૨૧ સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી ૮, પોરબંદરમાં ૨૦, નર્મદામાં ૨૩ હોસ્પિટલ સંકળાયેલી છે.