Last Updated on by Sampurna Samachar
રાજ્ય સરકાર વિકાસને આડે દિવાલ બની ઉભી છે
૫,૪૦૦ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધિત કરી હતી અને રાજ્યના વિકાસમાં TMC સરકારને મોટો અવરોધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બંગાળ પરિવર્તન અને વિકાસ ઇચ્છે છે, પરંતુ રાજ્ય સરકાર વિકાસના માર્ગમાં દિવાલ બની ઉભી છે. PM મોદીએ અહીં ૫,૪૦૦ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

PM મોદીએ TMC પર નિશાન સાધતા કહ્યું કે, TMC સરકાર બંગાળના વિકાસની સામે દિવાલની જેમ ઉભી છે. જે દિવસે આ દિવાલ તૂટી જશે, તે દિવસથી જ બંગાળ વિકાસની ગતિ પકડી લેશે. તેમણે ફરી કહ્યું કે TMC સરકાર જશે, ત્યારે જ સાચું પરિવર્તન આવશે.
પશ્વિમ બંગાળ ભાજપને એક તક આપો : PM
વડાપ્રધાન મોદીએ શ્રાવણ મહિનાની શુભકામનાઓ સાથે પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે આ પવિત્ર સમયમાં બંગાળના વિકાસ ઉત્સવનો ભાગ બનવું એ મારું સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે આજે જે પરિયોજનાઓની શરુઆત થઈ છે, તે બંગાળને વર્તમાન ખરાબ તબક્કામાંથી બહાર કાઢવાનું પ્રતીક છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ માહિતી આપી હતી કે થોડા સમય પહેલા ૫,૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે પશ્ચિમ બંગાળ માટે સમૃદ્ધ અને વિકસિત ભવિષ્યનું સ્વપ્ન જાેયું છે, અને આ પ્રોજેક્ટ્સ તે સ્વપ્નને સાકાર કરવા તરફ એક મોટું પગલું છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ બેરોજગારી અને સ્થળાંતર પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એક સમયે લોકો રોજગાર માટે બંગાળ આવતા હતા, પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળના યુવાનો નાની નોકરીઓ માટે પણ અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવા મજબૂર છે.
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના લોકોને અપીલ કરી અને કહ્યું, ભાજપ વતી હું તમને આગ્રહ કરું છું કે ભાજપને એક તક આપો. એવી સરકાર પસંદ કરો જે મહેનતુ, પ્રામાણિક અને મજબૂત હોય.