Last Updated on by Sampurna Samachar
સુરત જિલ્લા ગ્રાહક કમિશનનો મહત્ત્વનો ચુકાદો
વીમાદારનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત જિલ્લા ગ્રાહક કમિશને વીમા કંપનીઓ માટે એક મહત્ત્વનો અને ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે જો વીમાદારનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય, તો વીમા પોલિસીનો ક્લેઈમ મંજૂર કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત નથી.

આ ચુકાદા સાથે કમિશને રિલાયન્સ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન પર્સનલ એક્સિડેન્ટ પોલિસી ધરાવતા દિવંગત દીપમાલા અગ્રવાલના પતિ અને ત્રણ સંતાનને ૨.૨૫ કરોડનો વીમા ક્લેઈમ, વ્યાજ અને વળતર સાથે ચૂકવી આપવાનો આદેશ વીમા કંપનીને આપ્યો છે. ટેકનિકલ કારણ આગળ ધરી વીમા કંપનીએ ક્લેઈમ નકાર્યો હતો. આ સમગ્ર મામલામાં ફરિયાદી સંજય અગ્રવાલની પત્ની દીપમાલા અગ્રવાલ પાસે રિલાયન્સ ફાઇનાન્સિયલ પ્રોટેક્શનની પર્સનલ એક્સિડેન્ટ પોલિસી હતી.
વીમા કંપનીઓ માટે એક મોટો સંદેશ
આ ઘટનાની વાત કરીએ તો ૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ બની હતી. દીપમાલા વૃંદાવન સ્ટુડિયો, ઉમરગામ ખાતે સિરિયલનું શૂટિંગ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સ્ટેજ પરથી આશરે ૧૦-૧૫ ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ સુરતની મહાવીર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં નિદાન થયું કે કમર નીચેનો ભાગ પેરાલાઈઝ્ડ થઈ ગયો છે. ટ્રીટમેન્ટ ચાલુ હતી તે દરમિયાન ૨૫ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ કોમ્પ્લીકેશન ઊભા થતાં દીપમાલા અગ્રવાલનું દુ:ખદ અવસાન થયું હતું.
આ અકસ્માત મૃત્યુના આધારે તેમના પતિ સંજય અગ્રવાલે વીમા કંપની સમક્ષ ૨.૨૫ કરોડનો પર્સનલ એક્સિડેન્ટ ઈન્શ્યોરન્સનો ક્લેઈમ રજૂ કર્યો હતો. જોકે, વીમા કંપનીએ ૨૧ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આ ક્લેઈમ ફગાવી દીધો હતો. કંપનીએ ક્લેઈમ નામંજૂર કરવા માટે મુખ્યત્વે ટેકનિકલ કારણ આપ્યું હતું કે, “દીપમાલાનું પોસ્ટમોર્ટમ કરાવેલ નથી અને પોલિસીની શરતો મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વીમા કંપની સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી.”
વીમા કંપનીએ પોલિસીની ટેકનિકલ શરતનો આધાર લઈને ક્લેઈમ નકાર્યો હતો, પરંતુ સુરત જિલ્લા ગ્રાહક કમિશને સમગ્ર કેસના તથ્યો અને કાયદાની જોગવાઈઓને ઊંડાણપૂર્વક તપાસ્યા હતા. કમિશને નોંધ્યું કે દર્દીનું મૃત્યુ ઊંચાઈ પરથી પડવાના અકસ્માત બાદ ઈજા અને તેનાથી ઉદ્ભવેલા કોમ્પ્લીકેશન્સને કારણે થયું હતું તે સ્પષ્ટ છે.
અકસ્માત અને મૃત્યુ વચ્ચેનો સંબંધ હોસ્પિટલના દસ્તાવેજોમાં સ્પષ્ટપણે પુરવાર થાય છે. આવા કિસ્સામાં, જો વીમાદારનું મૃત્યુ અકસ્માતથી થયું હોવાનું અન્ય દસ્તાવેજો દ્વારા સ્થાપિત થતું હોય, તો માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટની ગેરહાજરીના બહાને ક્લેઈમ નકારી શકાય નહીં. આ ચુકાદો ગ્રાહકોને ટેકનિકલ ગૂંચવણોના નામે હેરાન કરતી વીમા કંપનીઓ માટે એક મોટો સંદેશ છે અને વીમાના કાયદામાં એક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક સિદ્ધાંત બની રહેશે.