Last Updated on by Sampurna Samachar
જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથના પૉડકાસ્ટમાં કરી વાતચીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથના પૉડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં PM મોદીએ કહ્યું કે ‘હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય છે. રાજકારણમાં મિશન સાથે ઉતરવું જોઇએ, મહત્ત્વાકાંક્ષા સાથે નહી. રાજકારણમાં સતત સારા લોકો આવતા રહેવા જોઇએ.’ દુનિયામાં વિવિધ દેશ વચ્ચે ચાલતા સંઘર્ષ અંગે તેમણે કહ્યું કે ‘અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું.’
વડાપ્રધાન મોદીનો આ પહેલો પૉડકાસ્ટ ઇન્ટરવ્યૂ છે. આ દરમિયાન તેમને પહેલી અને બીજી ટર્મ વચ્ચે શું ફર્ક છે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે લોકો પહેલી ટર્મમાં મને સમજવાનો પ્રયત્ન કરતા હતા. હું પણ દિલ્હીને સમજવાનો પ્રયત્ન કરતો હતો.’ જો કોઇ યુવાન રાજકારણમાં આવવા માંગે છે તો તેના માટે શું સંદેશ આપવા માંગશો? આ અંગે તેમણે કહ્યું કે, ‘રાજકારણમાં મિશન સાથે આવો.’ બીજી તરફ PM મોદીએ ૧૦ હજાર નાગરિકોના જીનોમ સિક્વન્સિંગ ડેટા જાહેર કર્યો. તેમણે કહ્યું કે ‘બાયોટેક્નોલોજી સંશોધન ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.’
બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજિત જીનોમિક્સ ડેટા સંમેલનમાં પીએમ મોદીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, ‘મને ખુશી છે કે દેશના ૨૦થી વધુ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટનો ડેટા ૧૦ હજાર ભારતીયોના જીનોમ સિક્વન્સિંગ હવે ઇન્ડિયા બાયોલોજિકલ ડેટા સેન્ટરમાં ઉપલબ્ધ છે.’
પીએમ મોદીએ કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે બાયો-ટેક્નોલોજી રિસર્ચના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. IIT , વૈજ્ઞાનિક, CSIR અને બાયો-ટેક્નોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર જેવા ૨૦થી વધુ પ્રસિદ્ધ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશને આ શોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે દેશે રિસર્ચની દુનિયામાં ખૂબ ઐતિહાસિક પગલું ભર્યું છે. પાંચ વર્ષ પહેલાં જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. આ દરમિયાન કોવિડના પડકાર છતાં આપણા વિજ્ઞાનીઓએ ખૂબ મહેનતથી પૂરો કર્યો છે. આ ડેટાબેસમાં દુનિયાનો અસાધારણ આનુવંશિક લેન્ડસ્કેપ આવરી લેવામાં આવ્યું છે.’