Last Updated on by Sampurna Samachar
પ્રવાસ ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા
ચીનમાં ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન SCO નું આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન જશે તેવી માહિતી છે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે ૨૦૨૦ માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે.
ચીનમાં ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન કરવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, ૨૦૨૪માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, ૨૦ થી વધુ દેશોના નેતા અને ૧૦ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ SCO શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
ચીન પહેલા વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે
અમેરિકા દ્વારા એપ્રિલમાં ટેરિફ વૉરની જાહેરાત બાદથી ચીન ભારત સાથે વેપાર સંબંધો સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પણ તેને સકારાત્મક સંકેત આપ્યો છે. ચીનની સરકારે અવારનવાર ભારત સાથે વેપાર સંબંધો સુધારવાના નિવેદનો આપ્યા છે. હાલમાં થોડા સમય પહેલાં જ વિદેશ મંત્રી ચીન ગયા હતાં. તેઓ SCO ફોરેન મિનિસ્ટર્સ મીટિંગમાં ભાગ લેવા બેઈજિંગ ગયા હતાં.
ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. ૩૦ ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત ખાસ રહેશે. કારણકે, અમેરિકા ચીન બાદ હવે ભારતને સતત ટેરિફ વધારવા ધમકી આપી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બ્રિક્સ દેશ ડોલરને નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે ચીન અને ભારત (ડ્રેગન અને એલિફન્ટ) એકજૂટ થવા તૈયાર થયા છે.