અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રિકોને સામાન્ય ટ્રેન, મેટ્રો રેલ અને બૂલેટ ટ્રેનની સુવિધા એક સાથે મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
PM મોદીના ૨૦૪૭ના વિઝનને ધ્યાને રાખી દેશમાં અર્થયંત્રને વેગ આપતી રેલવેનો વિકાસ કરાઈ રહ્યો છે. જ્યાં દેશમાં ૧૩૦૦ સ્ટેશનની કાયાપલટ કરાઈ રહી છે. જેમાં અમદાવાદમાં ૩ મેજર અને ૧૬ નાના રેલવે સ્ટેશન અપગ્રેડેશન કરાઈ રહ્યા છે. જે ૩ મેજર સ્ટેશનમાં એક ભુજ, સાબરમતી અને કાલુપુર રેલવે સ્ટેશન જે રાજ્યનું સૌથી મોટું સ્ટેશન છે. તેનું ૨૩૦૦ કરોડ ઉપર ખર્ચે ડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે. કાલુપુર રેલ્વે સ્ટેશન તરીકે પ્રખ્યાત અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્ટેશનને વિશ્વ-કક્ષાના મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ હબમાં પરિવર્તિત કરવાનો છે.
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે અને મુસાફરોને અગણિત સુવિધા મળે તે રીતે ડેવલપ કરાઈ રહ્યું છે. જ્યાં આલ્ફા વન મોલ કરતા પણ મોટું પાર્કિંગ બનશે તેમજ રેલવે- મેટ્રો અને બુલેટ રેન સહિત તમામ ટ્રાન્સપોટૅશન સુવિધા પણ એકબીજા સાથે કનેક્ટ હશે. અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટની કામગીરીની રેલવે DRM એ મુલાકાત લીધી હતી. અને જણાવ્યું હતું કે કાલપુર રેલવે સ્ટેશનમાં વિવિધ સુવિધા સાથે વિશ્વસ્તરીય બનાવવા માટે યાત્રિકોને વિવિધ સુવિધાઓ સાથે અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રિકોને સામાન્ય ટ્રેન, મેટ્રો રેલ અને બૂલેટ ટ્રેનની સુવિધા એક સાથે મળશે.
આગામી ત્રણ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને એક વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવા માટે મુખ્ય બિલ્ડીંગ, પાર્સલ વિભાગ, રસ્તા સહિતની સુવિધા માટે આશરે ૨૩૮૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલ બુલેટ ટ્રેનના કામને લઈ ત્રણ પ્લેટફોર્મ બંધ કરવામાં આવ્યાં છે ત્યારે સ્ટેશનનું નવીનિકરણનું કામ પૂર્ણ થતાં ૧૨ સ્ટેશન ફરી કાર્યરત કરવામાં આવશે. દરેક પ્લેટ ફોર્મ પર ૪ લિફટ અને ૪ એક્સેલેટર મુકવામાં આવશે.
કાલુપુર વિસ્તાર ખુબ ગીચતા વાળો વિસ્તાર હોવાથી કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી ૬ લેન એલિવેશન બ્રિજ બનાવવામાં આવશે. જેના માઘ્યમથી યાત્રિકો બ્રિજ ઉપરથી સીધા રેલવે સ્ટેશન પરથી અવર- જવર કરી શકશે. અમદાવાદનું રેલવે મથક ભારતનું પ્રથમ એવું સ્ટેશન બનશે, જ્યાંથી મુસાફરોને સામાન્ય ટ્રેન, મેટ્રો રેલ અને બૂલેટ ટ્રેનની સુવિધા એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે.