વિક્રાંત મૈસીની આ ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર છે છવાયેલી
‘આ ખુશી શબ્દોમાં વ્યક્ત ન કરી શકું’ : વિક્રાંત
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક્ટર વિક્રાંત મૈસી અત્યારના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તેમણે પોતાની રિટાયરમેન્ટની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. ૩૭ વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘‘હવે તેની ઘર વાપસીનો સમય આવી ગયો છે.’’ સાથે જ તેણે લખ્યું કે, ૨૦૨૫માં આવનારી તેની બે ફિલ્મો છેલ્લી હશે.
વિક્રાંત મૈસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પણ તેની નવી ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” હાલમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ૧૫ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકો સાથે સાથે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ વાહવાહી મેળવી છે. ૨૧ નવેમ્બરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફીનિક્સ પલાસિયો મોલમાં પોતાની કેબિનેટ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મળીને “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ જોઈ હતી.
હવે પ્રધાનમંત્રી મોદીએ પણ આ ફિલ્મ જોઈ છે. PM નરેન્દ્ર મોદીએ ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન સંસદમાં કરવામાં આવ્યું હતું. સંસદ ભવનની લાઈબ્રેરી બિલ્ડિંગમાં PM સાથે NDA ના સભ્યોએ પણ આ ફિલ્મ જોઈ હતી. આ ઉપરાંત ફિલ્મની ટીમ સાથે પ્રોડ્યૂસર એકતા કપૂર, ડાયરેક્ટર ધીરજ સરના, એક્ટર વિક્રાંત મૈસી, ઋદ્ધિ ડોગરા, રાશી ખન્ના પણ હાજર રહી હતી. એકતાના પિતા અને સિનિયર એક્ટર જિતેન્દ્ર પણ સ્ક્રીનિંગ માટે દિલ્હી આવ્યા હતા.
સ્ક્રીનિંગ બાદ એક્ટર વિક્રાંત મૈસીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી સાથે ફિલ્મ જાેવાનો અવસર મળવો તેમની જિંદગીનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે. તેણે કહ્યું કે, તે નર્વસ છે અને ત્યારે આવા સમયે પોતાની ભાવનાઓને ખુલીને શબ્દોમાં રજૂ કરી શકતો નથી.” પ્રધાનમંત્રી અને કેબિનેટના સભ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંતના ચહેરા પર અલગ જ ખુશી હતી.