Last Updated on by Sampurna Samachar
નવા ચીફ ઈલેક્શન કમિશનરની પસંદગી માટે થશે બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાયદા મંત્રાલયે નવા ચીફ ઈલેક્શન કમિશનરની નિમણૂક માટે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ત્રણ સભ્યોની કમિટી બેઠક બોલાવી છે. આ ત્રણ સભ્યોની કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામેલ થશે.

ઉલ્લેખનીય છે, વર્તમાન ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારનો કાર્યકાળ ૧૮ ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનો છે. જેથી નવા ચીફ ઈલેક્શન કમિશનરની પસંદગી માટે આ કમિટીની રચના કરવામાં આવી છે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના નેતૃત્વ હેઠળ ખોજ કમિટીની રચના કરી હતી. જેમાં બે સભ્યોમાં નાણાં વિભાગના સચિવ તથા કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ સામેલ હતાં.
અત્યાર સુધી સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનરની ચીફ ઈલેક્શન કમિશનર માટે પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ ગતવર્ષે ચીફ ઈલેક્શન કમિશનર અને ઈલેક્શન કમિશનર નિમણૂક માટે એક નવો કાયદો લાગુ થયા બાદ નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર થયો છે.
પ્રથમ વખત નિમણૂક માટે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, ૨૦૨૩ની જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજીવ કુમાર (Rajiv Kumar)ની મે, ૨૦૨૨ માં ચીફ ઈલેક્શન કમિશનર તરીકે નિમણૂક થઈ હતી.
તેમના નેતૃત્વ હેઠળ, ચૂંટણી પંચે ૨૦૨૪માં લોકસભા ચૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજી હતી.
વર્ષ ૨૦૨૩માં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારની દેખરેખ હેઠળ કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થઈ હતી. જાન્યુઆરી, ૨૦૨૫માં દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં રાજીવ કુમારે પોતાનો રિટાયરમેન્ટ પ્લાન વિશે જણાવ્યું હતું. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, ૧૩-૧૪ વર્ષોથી સતત ફરજ પર કામ કરતો હોવાથી મને સમય જ મળ્યો નથી. હવે રિટાયર થયા બાદ હું ચાર-પાંચ મહિના માટે હિમાલય જઈશ અને ત્યાં મને ડિ-ટોક્સિફાઈ કરવા એકાંતવાસનું જીવન જીવીશ, ધ્યાન કરીશ.