દસ્તાવેજોની ગેરહાજરીમાં ખેડૂતો PM કિસાન યોજનાથી વંચિત રહી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી PM કિસાન સન્માન નિધિનો ૧૯ મો હપ્તો રીલિઝ કરશે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬,૦૦૦ રૂપિયા મોકલવામાં આવે છે. આ રકમ દર ૪ મહિનાના સમયગાળામાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તામાં ૨,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા માટે E-KYC હોવું ફરજિયાત છે. જો તમે હજુ સુધી E-KYC કર્યું નથી તો તમે ૧૯ મા હપ્તાથી વંચિત રહી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ, બેન્ક ખાતું હોવું ફરજિયાત છે. આ સાથે જમીનના દસ્તાવેજો અને રહેઠાણનું પ્રમાણપત્ર પણ જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી કરાવવી પણ જરૂરી છે. આમાંથી કોઈપણ દસ્તાવેજોની ગેરહાજરીમાં ખેડૂતો PM કિસાન યોજનાથી વંચિત રહી શકે છે.
આ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતો જ લઈ શકે છે જેઓ સરકારી નોકરી ધરાવતા નથી અને આવકવેરો ભરતા નથી. આ યોજના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડે છે. નિયમો અનુસાર, પરિવારનો ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે. અન્ય સભ્યોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, જે ખેડૂતોએ E-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓ પણ PM કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી રહ્યા છે. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ ચકાસી શકો છો કે તમે PM કિસાન યોજના માટે પાત્ર છો કે નહીં.