‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ મોદીને મળ્યુ કુવૈતનું સર્વોચ્ચ સન્માન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન મોદી કુવૈત મુલાકાતે છે. ૪૩ વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત લેનાર PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે PM મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ થી સન્માનિત કર્યા છે. કોઈ દેશ દ્વારા મોદીને અપાયેલુ આ ૨૦ મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.
આ ઓર્ડર મિત્રતાના પ્રતિક રૂપે રાષ્ટ્રાધ્યક્ષો અને વિદેશ પ્રમુખો તેમજ વિદેશી શાહી પરિવારોના સદસ્યોને આપવામાં આવે છે. આ પહેલા બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ સહિતના નેતાઓને આ સન્માન મળી ચુક્યુ છે. કુવૈતની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા, જેમણે ૧૯૮૧માં કુવૈતની મુલાકાત લીધી હતી.
ભારત કુવૈતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનું એક છે. કુવૈતમાં સૌથી વધુ પ્રવાસી ભારતીયો વસે છે. આ ગલ્ફ કન્ટ્રી ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનો એક છે. કુવૈત સાથે દ્વીપક્ષીય વ્યાપાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦.૪૭ મિલિયન અમેરિકન ડોલર રહ્યો છે. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ૩ ટકા ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે. કુવૈતમાં ભારતીય નિકાસ પ્રથમવાર US ડોલર બિલિયન સુધી પહોંચી છે, જ્યારે કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં રોકાણ ડોલર US ડોલર ૧૦ બિલિયનને વટાવી ગયું છે.
વડાપ્રધાન મોદીને મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનોની યાદી
જુલાઈ ૨૦૨૩ : ફ્રાન્સે PM મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા
જૂન ૨૦૨૩: ઇજિપ્તમાં ઓર્ડર ઓફ ધ નાઇલ થી સન્માનિત કરાયા
મે ૨૦૨૩: પાપુઆ ન્યુ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ પુરસ્કાર
મે ૨૦૨૩ : PM મોદીને ફિજીમાં કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા
મે ૨૦૨૩: પલાઉ ગણરાજ્ય દ્વારા પીએમ મોદીને અબાકાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
૨૦૨૧: ભૂટાને PM મોદીને ડ્રૂક ગ્યાલ્પોથી સન્માનિત કર્યા
૨૦૨૦: અમેરિકાએ PM મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા
૨૦૧૯ : PM મોદીને બહેરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કરવામાં આવ્યા
૨૦૧૯: માલદીવે નિશાન ઇઝુદ્દીનના ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલથી પણ નવાજ્યા
૨૦૧૯: રશિયાએ PM મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રૂ એવોર્ડથી સન્માનિત કર્યા
૨૦૧૯: PM મોદીને UAE દ્વારા ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
૨૦૧૮: PM મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
૨૦૧૬: મોદીને અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
૨૦૧૬: વડાપ્રધાનને સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદથી નવાજવામાં આવ્યા હતા