Last Updated on by Sampurna Samachar
સાયપ્રસ મુલાકાત પાછળનું કારણ ભૌગોલિક રાજનીતિ
PM મોદીએ સાયપ્રસ સરકાર અને સાયપ્રસના લોકોનો આભાર માન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે વડાપ્રધાન મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ III થી સન્માનિત કર્યા છે.
આ ઍવૉર્ડ સાયપ્રસના પ્રથમ રાષ્ટ્રપતિ આર્કબિશપ મેકરિયોસ III ના માનમાં આપવામાં આવે છે. ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને રાજ્યના વડાને આ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન સાથે વડાપ્રધાન મોદીના આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડમાં વધુ એક ઉમેરો થયો છે.
૨૩ વર્ષ બાદ પ્રથમ વખત ભારત વડાપ્રધાનની મુલાકાત
ભારતમાંથી ૨૩ વર્ષ બાદ પ્રથમ વખત કોઈ વડાપ્રધાન સાયપ્રસની મુલાકાતે ગયા છે. નિષ્ણાતો અનુસાર, વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત પાછળનું કારણ ભૌગોલિક રાજનીતિ છે. ભારત તુર્કીયેના પાકિસ્તાન સાથે સુધરી રહેલા સંબંધોને ધ્યાનમાં લેતાં તેના વિરોધી દેશ સાયપ્રસ સાથે સંબંધો કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીનું સાયપ્રસ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૂલાઇડ્સ સાથે મુલાકાત કરી છે. ત્યારબાદ તેઓ ક્રોશિયા જશે, જ્યાં રાષ્ટ્રપતિ ઝોરન મિલાનોવિક અને વડાપ્રધાન એંડ્રેજ પ્લેનકોવિક સાથે મુલાકાત કરશે.
વડાપ્રધાન મોદીએ સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વીકારતાં તેને દેશની જનતાને સમર્પિત કર્યું છે. તેમણે કહ્યું કે, ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ III સન્માન માટે હું તમારો (સાયપ્રસના રાષ્ટ્રપતિ), સાયપ્રસ સરકાર અને સાયપ્રસના લોકોનો આભાર માનું છું. આ સન્માન માત્ર મારું સન્માન નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતવાસીઓનું સન્માન છે. તેમના સામર્થ્ય અને આકાંક્ષાઓનું સન્માન છે. અમારો દેશ સાંસ્કૃતિક ભાઈચારા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારાનું સન્માન છે. આ ઍવૉર્ડ ભારત અને સાયપ્રસના મહત્ત્વપૂર્ણ સંબંધોને સમર્પિત છે. તમામ ભારતીયો તરફથી આ સન્માનનો હું અત્યંત વિનમ્રતા અને કૃતજ્ઞતાથી સ્વીકાર કરું છું.