ગૃહપ્રધાને બાબા સાહેબ આંબેડકરને લઇ કરેલી ટિપ્પણીને લઇ બચાવમાં બોલ્યા PM મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ બાબા સાહેબ આંબેડકરના મુદ્દે સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે PM મોદીએ કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાના પાપને વધુ સમય સુધી છુપાવી શકતી નથી , કોંગ્રેસે ડૉ.આંબેડકરના વારસાને ભૂંસવા માટે ગંદી યુક્તિઓ રમી હતી.
વડાપ્રધાને સોશિયલ મીડિયા X પર એક પછી એક અનેક પોસ્ટ કરી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ ગમે તેટલી કોશિશ કરે, તેઓ એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે તેમના શાસનમાં SC /ST સમુદાયો વિરુદ્ધ સૌથી ખરાબ હત્યાકાંડો થયા છે. તેઓ વર્ષો સુધી સત્તામાં રહ્યા, પરંતુ SC અને ST સમુદાયોને સશક્ત કરવા માટે કશું નક્કર કર્યું નહીં.
PM મોદીએ પોસ્ટમાં લખ્યું, ‘ડો.આંબેડકર વિરુદ્ધ કોંગ્રેસના પાપોની સંપૂર્ણ યાદી છે. કોંગ્રેસે તેમને એક નહીં પરંતુ બે વખત ચૂંટણીમાં હરાવ્યા હતા. પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો હતો. તેમને ભારત રત્ન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સાથે જ સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના પોટ્રેટને સન્માનનું સ્થાન ન આપવું એ પણ કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે.
વડાપ્રધાનએ વધુમાં કહ્યું કે, જો કોંગ્રેસ અને તેમની સડેલી ઇકોસિસ્ટમ એવું વિચારે છે કે તેઓ તેમના ઘણા વર્ષોના દૂષિત જૂઠાણા અને દુષ્કૃત્યો, ખાસ કરીને ડૉ.આંબેડકર પ્રત્યેના તેમના અનાદરને છુપાવી શકે છે, તો તેઓ ઘોર ભૂલમાં છે. દેશના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડૉ. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને SC /ST સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક સંભવિત ગંદી યુક્તિ કરી છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંબોધનનો એક વિડિયો અંશો બહાર પાડ્યો હતો. જેમાં ગૃહપ્રધાનને વિપક્ષ પર કટાક્ષ કરતા અને કહેતા સાંભળી શકાય છે કે, હવે આ એક ફેશન બની ગઈ છે – આંબેડકર, આંબેડકર. જો તેમણે ભગવાનનું આટલું નામ લીધું હોત તો તેઓ સાત જન્મો માટે સ્વર્ગમાં જતા હોત.