Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં વહેલી પરોઢે ૪.૦ તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં દિલ્હીમાં ભૂકંપના જારદાર આંચકા અનુભવાયા હતા. જેથી લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીથી ૫ કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયા હતા.

થોડીક સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતોની અંદર તીવ્ર કંપન અનુભવાયા. સવારે ૫:૩૬ વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા, જેનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ.
અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ છે. આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે એક વાર નાના અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તેમણે કહ્યું કે, ૨૦૧૫માં અહીં ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેને લઇ વડાપ્રધાન મોદીએ ટિ્વટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.