Last Updated on by Sampurna Samachar
ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત કર્યા
વડાપ્રધાન મોદીએ આ સન્માન ભારતના નાગરિકોને સમર્પિત કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાના પહોંચ્યા હતા. રાજધાની અકરામાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મહામાએ વડાપ્રધાન મોદીને ઘાના (GHANA) દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના‘ થી સન્માનિત કર્યા હતા. જ્યાં PM નરેન્દ્ર મોદીએ આ સન્માન ભારતના નાગરિકોને સમર્પિત કર્યું હતું. આ તકે તેમણે તેને ગર્વની ક્ષણ ગણાવી અને કહ્યું કે, હું તેને પ્રાપ્ત કરીને ખૂબ જ સન્માનિત અનુભવું છું.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન, મોદીને ૨૪ વૈશ્વિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન, રશિયા અને પેલેસ્ટાઇન જેવા ઘણા દેશોએ તેમને તેમના દેશના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. PM મોદીને ઘાનાના રાષ્ટ્રપતિ મહામા દ્વારા તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના‘ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. PM એ આ સન્માન માટે બધાનો આભાર માન્યો હતો.
ભારત હંમેશા ઘાનાના લોકોની સાથે
તેમણે સોશિયલ મીડિયા દ્વારા ઘાનાના લોકો અને સરકારનો આભાર માન્યો અને કહ્યું કે, ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત થવું મારા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે, આ સન્માન આપણા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય, તેમની આકાંક્ષાઓ અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત છે. આ સન્માન ભારત અને ઘાના વચ્ચેની મિત્રતાનું પ્રતીક પણ છે. ભારત હંમેશા ઘાનાના લોકોની સાથે રહેશે.
ઘાનાનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કર્યા પછી, વડા પ્રધાન મોદીને તેમના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ વૈશ્વિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વિશે માહિતી આપતા ભાજપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે, ભારતના લોકો માટે આ વધુ એક ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાનને ઘાનાના સર્વોચ્ચ રાજ્ય સન્માન ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના‘ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ પ્રતિષ્ઠિત સન્માન ફક્ત વડા પ્રધાન મોદીના વૈશ્વિક નેતૃત્વને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ વિશ્વ મંચ પર ભારતની વધતી ભાગીદારીને પણ વ્યાખ્યાયિત કરે છે.
આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘાના ઉપરાંત સાયપ્રસ, શ્રીલંકા અને મોરેશિયસના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે PM મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III થી સન્માનિત કર્યા હતા. શ્રીલંકાએ PM મોદીને મિત્ર વિભૂષણ મેડલથી સન્માનિત કર્યા હતા.
આ ઉપરાંત, આ વર્ષે વડા પ્રધાન મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ગયા હતા, જ્યાં તેમને મોરેશિયસનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન‘ એનાયત કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા હતા. ઘાનાના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘાનાના લોકો મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સુક દેખાતા હતા. મોદીનું સન્માન કરવા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા. ભારત માતા કી જયના નારા દરેક જગ્યાએ સંભળાયા હતા. PM મોદીએ ઘાનાના લોકોનો આટલા ભવ્ય સ્વાગત માટે આભાર માન્યો હતો.